Mysamachar.in-જામનગર:
પ્રિ-સ્કૂલથી માંડીને ધોરણ-12 સુધી ખાનગી શાળાઓમાં વધુ ફી નો મુદ્દો હંમેશા ચર્ચાઓમાં રહે છે. અમદાવાદ કે વડોદરા-સુરત જેવા શહેરોમાં સત્તાવાળાઓ દ્વારા ઘણી સ્કૂલને દંડ પણ ફટકારવામાં આવે છે, જેની સામે સૌરાષ્ટ્રમાં ખાનગી શાળાઓના સંચાલકોને ‘મોજ’ હોવાની સ્થિતિઓ જોવા મળી રહી છે. દરમ્યાન, જામનગરની એક મિશનરી(ખ્રિસ્તી) શાળામાં વાલીઓ પાસેથી વધુ ફી પડાવવાનો મામલો ચર્ચાઓમાં આવ્યો છે.
જામનગરની સેન્ટ આન્સ સ્કૂલનો આ મામલો એવો છે કે, વાલીઓના કહેવા અનુસાર, આ સ્કૂલના એલકેજી યુકેજી વિભાગમાં વાલીઓને જાણ કર્યા વગર કે વાલીઓને વિગતો આપ્યા વગર તોતિંગ ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. વસૂલવામાં આવી રહ્યો છે. વાલીઓ વતી સોહેલ કેશોર નામના એક વાલીએ તો એમ પણ કહ્યું કે, આ ભારે ફી વધારા અંગે સ્કૂલ સંચાલકોને પૂછવામાં આવે છે તો પણ વાલીઓને વિગતો આપવામાં આવતી નથી. આ વાલીએ એમ પણ કહ્યું કે, FRC દ્વારા જે ફી નિર્ધારણ કરવામાં આવ્યું છે, તેના કરતાં વધુ ફી સેન્ટ આન્સ સ્કૂલના સંચાલકો વસૂલી રહ્યા છે.
આ તમામ વાલીઓએ આ સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતા સમક્ષ મૌખિક અને લેખિત રજૂઆત કરી છે અને કડક કાર્યવાહીઓની માંગ કરી છે. આ રજૂઆતના અનુસંધાનમાં અધિકારીએ જણાવ્યું છે કે, દરેક ખાનગી શાળાએ નિર્ધારિત ફી જ લેવાની હોય છે. અને FRC દ્વારા નિર્ધારિત ફી ની વિગતો દરેક શાળાઓએ સ્કૂલના નોટિસ બોર્ડ પર વાલીઓની જાણ માટે લગાવવાની હોય છે. આ મામલામાં રજૂઆતના અનુસંધાને શિક્ષણ ઈન્સ્પેક્ટર અને મદદનીશ શિક્ષણ ઈન્સ્પેક્ટરને તપાસની જવાબદારીઓ સોંપવામાં આવી છે, જો તપાસ રિપોર્ટમાં કોઈ નિયમભંગ ધ્યાન પર આવશે તો આ શાળા વિરુદ્ધ નિયમ અનુસારની કાર્યવાહીઓ કરવામાં આવશે. આ ઉપરાંત DPEOએ એમ પણ કહ્યું કે, આ શાળાના કેસમાં વાલીઓની રજૂઆતને ધ્યાન પર લઈ FRC રાજકોટ સાથે પણ પરામર્શ કરવામાં આવશે.






















































