Mysamachar.in-રાજકોટ:
જામનગરની એક મહિલા રાજકોટમાં આશરે રૂ. 19 લાખના ડ્રગ્સ સાથે ઝડપાઈ ગઈ પછી, આ પ્રકરણમાં જામનગરમાંથી વધુ બે ની ધરપકડ થઈ છે. આ કાર્યવાહીઓ રાજકોટ પોલીસ દ્વારા થઈ છે. જામનગરની યાસ્મિન સેતા નામની એક મહિલા અને તેની સાથેનો સગીર રૂ. 19.89 લાખના ડ્રગ્સ સાથે રાજકોટ પોલીસના હાથમાં ઝડપાઈ ગયા હતાં. ત્યારબાદ, રાજકોટ પોલીસે જામનગરના એક ગેરેજ સંચાલક અને જામનગરની જ વધુ એક મહિલાની, આ પ્રકરણની તપાસ દરમિયાન ધરપકડ કરી.
રાજકોટ પોલીસ કહે છે: જામનગરના ખોજાવાડ વિસ્તારમાં રહેતાં અને ગેરેજ ચલાવતા 37 વર્ષના અઝરૂદીન(અઝરૂ) કાસિમ દરજાદા અને તેની સાથે ડ્રગ્સ કેરિયર તરીકે કામ કરતી અને આવાસમાં રહેતી 31 વર્ષની સાયરા ઈમરાન ભાગેડની ધરપકડ કરવામાં આવી છે. આ બધી જ કામગીરીઓ રાજકોટની રેલવે પોલીસ દ્વારા થઈ છે.
રેલવે પોલીસની તપાસમાં બહાર આવ્યું કે, અઝરૂએ ડ્રગ્સ લેવા પ્રથમ સાયરાને કહેલું. સાયરાએ ના પાડ્યા બાદ યાસ્મિન ડ્રગ્સ લેવા મુંબઈ ગઈ હતી. અગાઉ જો કે, આ સાયરા અને યાસ્મિન મુંબઈથી આ રીતે સાથે જઈ ડ્રગ્સ જામનગર લાવી હતી. જેના બદલામાં આ બંને મહિલાને ટ્રીપ દીઠ રૂ. 10-10 હજાર આપવાનું નક્કી થયું હતું. ડ્રગ્સ સપ્લાયર તરીકે મુંબઈના નિઝામ નામના એક શખ્સનું નામ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ રેલવે પોલીસ આ નિઝામ સુધી પહોંચશે.