Mysamachar.in-જામનગર:
ગુજરાતના દરિયાકિનારે પાણીમાં શેવાળ કરતાં વધારે પ્રમાણમાં ‘રૂપિયો’ ઉગે છે, જે સૌ જાણે છે. રાજ્યમાં GMB 48 બંદરો પર કબજો ધરાવે છે પરંતુ હવેનો યુગ ખાનગીકરણનો હોય, GMB જવાબદારીઓ ખંખેરી નાંખી એક ખાનગી કંપનીને આ બધાં જ બંદરો ‘વહીવટ’ કરવા માટે સોંપી દેશે. આ માટે નવી SPV(special purpose vehicle)બનાવવામાં આવશે. આ બાબતનો સૈધાંતિક સ્વીકાર કરી લેવામાં આવ્યો છે.
અત્યંત આધારભૂત GMB સૂત્રના જણાવ્યા અનુસાર, આ SPV કંપની, હાલ GMB પાસે જે 48 નોનમેજર પોર્ટ છે તે તમામનો વહીવટ સંભાળી લેશે. અને, GMB મોટાભા તરીકે માર્ગદર્શક ભૂમિકાઓ ભજવશે અને બધું જોશે.
આ 48 નોનમેજર પોર્ટ્સમાં જામનગરના બેડી તથા સિક્કા ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદરનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના આ 48 બંદરો પર કાર્ગો હેન્ડલિંગ, LNG ટ્રાન્સપોર્ટેશન અને શિપ બિલ્ડિંગ સહિતની કામગીરીઓ થઈ રહી છે.
આ ખાનગી કંપની આ બધાં બંદરોનો વિકાસ કરશે અને ઓપરેશન તથા મેન્ટેનન્સ સંભાળશે. આ પ્રકારની કંપની ગત્ 31મી ડિસેમ્બરે રચી લેવામાં આવી. આ SPV પાસે આ કંપનીનો 51 ટકા હિસ્સો અને GMB પાસે 49 ટકા હિસ્સો રહેશે. એટલે કે, તમામ નીતિગત નિર્ણય SPV લેશે અને તેનો અમલ કરશે.
આ કંપનીની રચના માટે ગુજરાત સરકારે રૂ. 50 કરોડની રકમ અલગ રાખી છે. ટૂંકમાં, આ નવી કંપનીમાં 49 ટકા શેર ધારણ કરવા માટે સરકાર આ કંપનીને રૂ. 50 કરોડ આપશે. જો કે, આ બધાં પોર્ટ્સની માલિકી તો સરકાર હસ્તક જ રહેશે. આ બધાં બંદરો પર કેવી રીતે અને કેટલી આવક ભેગી કરવી એ બધાં નિર્ણય ખાનગી કંપની કરશે અને શેરધારક તરીકે GMB આ નિર્ણયોને મંજૂરી એટલે કે સહમતી આપશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાત સરકાર હસ્તકનું GMB આ બધાં બંદરો પર મેન્ટેનન્સ કામગીરીઓ કરી શકતું નથી, બંદરોનો વિકાસ કરી શકતું નથી. રાજ્યનું બંદર ખાતું આ બાબતમાં નિષ્ફળ રહ્યું. આથી આ નવો ઉપાય વિચારી GMB એ જવાબદારીઓ ખંખેરી નાંખી. દહેજ, ભાવનગર, પોરબંદર અને વેરાવળ સહિતના બંદરોનો આમાં સમાવેશ થાય છે.






















































