Mysamachar.in:જામનગર
જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નાણાંકીય છેતરપિંડીનો એક કેસ નોંધાયેલો છે, આ કેસની અરજદાર એક મહિલાએ પોલીસ સમન્સને વડી અદાલતમાં પડકાર આપ્યો હતો પણ અદાલતે કહ્યું છે કે, આ મહિલાએ પોલીસ સમક્ષ હાજર થવું પડશે.અત્રે ઉલ્લેખનિય છે કે, આ મહિલા હાલ ગર્ભવતી છે.
આ કેસની જાહેર થયેલી વિગત અનુસાર, પોલીસે એક કેસમાં જામનગરની એક મહિલાને સમન્સની નોટિસ પાઠવી હતી. મહિલાએ આ નોટિસને હાઇકોર્ટમાં પડકાર આપ્યો હતો. ફેસબુક મેસેન્જર પર સંદેશો મોકલ્યા પછી નાણાંકીય છેતરપિંડી સહિતનાં ગુનાના આ મામલામાં સાયબર ક્રાઇમ પોલીસે ફરિયાદ દાખલ કર્યા બાદ પતિ પત્ની બંનેની પૂછપરછ કરી હતી. અરજદાર મહિલાને પોલીસે સમન્સ પાઠવ્ય હતું. પરંતુ તેણીએ આ સમન્સને કાનૂની પડકાર આપ્યો.
આ પડકાર દરમિયાન મહિલાએ એવી રજૂઆત કરી કે, પોલીસે આમાં કોઈ કાયદાની જોગવાઈનો ઉલ્લેખ નથી કર્યો. અરજદારોનાં નામ ફરિયાદમાં નથી. આ કેસની સુનાવણી દરમ્યાન જસ્ટિસ સમીર દવેએ એવી ટકોર કરી કે, આ રીતે પોલીસનાં સમન્સ પર અરજદાર મહિલા એવું ન કહી શકે કે, તે નહીં જાય. અદાલતે એમ પણ કહ્યું કે, જો અદાલત આવા કેસોમાં હસ્તક્ષેપ કરવા લાગશે તો પછી પોલીસ કોઈ કેસમાં તપાસ પણ ન કરી શકે.
આ કેસમાં અરજદારને ફેસબુક મેસેન્જર પર પાડોશીનો મેસેજ આવ્યો હતો. જો મારાં પાંચ મિત્રો તેમનાં મોબાઇલ પર આવેલાં OTP મને આપશે તો મારૂં હેક થયેલું એકાઉન્ટ ફરી ચાલુ થઈ શકે એમ છે. OTP મેળવ્યા બાદ ફરી મેસેજ આવ્યો, હોસ્પિટલનું કામ હોવાથી રૂ.9,000 ની મદદ કરો. તેણીએ રૂપિયા પણ આપ્યા. પછી આ મહિલા તથા તેણીનાં પતિ વચ્ચેની વાતચીત દરમિયાન જાણ થઈ કે, આ મહિલાનું એકાઉન્ટ હેક થયું છે.
આ કેસ હાઇકોર્ટમાં ચાલ્યો ત્યારે આ મહિલાએ એવી પણ રજૂઆત કરી હતી કે, અમે પોલીસને તપાસમાં સહકાર આપીએ છીએ. અગાઉ પણ પોલીસ ઘરે આવીને મારાં પતિ વિશે માહિતી લઈ ગઈ હતી. જો પોલીસને વધુ તપાસ કરવી હોય તો તેઓ અમારાં ઘરે આવી શકે છે. જો કે અદાલતે સ્પષ્ટ કહ્યું કે, તમારે તપાસ અધિકારી સમક્ષ હાજર થવું પડે. આ મામલાએ સંબંધિત વર્તુળોમાં ઉતેજના જગાવી છે.