Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદીના બંને કાંઠાને જોડતા સુદામા સેતુ નવનિર્માણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે ખાનગી એજન્સીને વર્ક ઓર્ડર અપાયા બાદ તાજેતરમાં શરૂ થયેલ નવનિર્માણ કામગીરી અંદાજિત 14.1 કરોડ રૂપિયાના ખર્ચે એક વર્ષના સમયગાળામાં પૂર્ણ કરવામાં આવનાર છે.
ઓકટોબર-2022 માં મોરબી પૂલ દુર્ઘટના બાદ રાજ્યભરના કેબલ બેઈઝડ પૂલોની સાથોસાથ દ્વારકાના ગોમતી ઘાટ અને પંચનદ તીર્થને જોડતા શહેરના પ્રમુખ આકર્ષણ સમા સુદામા સેતુ પર પણ યાત્રીકોની અવરજવર નિષેધ કરાયા બાદ અને મરમ્મત કામગીરીમાં લાંબો સમયના વિલંબ બાદ આશરે સાડા ત્રણ વર્ષે ખાનગી એજન્સી દ્વારા સુદામા સેતુને પુનઃ મજબૂતીકરણની કામગીરીની શરૂઆત કરાઈ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર કે.એન. પટેલના જણાવ્યા અનુસાર ખાનગી એજન્સી દ્વારા અંદાજે એક વર્ષના સમયમાં પૂર્ણ કરવામાં આવનાર છે. યાત્રીકોને સુદામા સેતુ વીઝીટનો લુત્ફ ઉઠાવવા હજુ અંદાજિત એકાદ વર્ષ સુધી રાહ જોવી પડશે.
સ્ટેનલેસ સ્ટીલ મટીરીયલ અને જર્મન અને ફ્રેન્ચ ટેકનોલોજીથી સુદામા સેતુને મળશે નવો લુક
આર. એન્ડ બી. વિભાગના કાર્યપાલક ઈજનેરના જણાવ્યા મુજબ સુદામા સેતુ રી-સ્ટ્રેન્ધનીંગની કામગીરીમાં જુના એમ.એસ. સ્ટીલને બદલે સ્ટેનલેસ સ્ટીલના કેબલનો ઉપયોગ કરાશે તેમજ બંને તરફના પીલર યથાવત રાખી અન્ય ભાગમાં જર્મન અને ફ્રેન્ચ ટેકનોલોજીનો ઉપયોગ કરી કેબલીંગની કામગીરી કરી પુનઃ મજબુતીકરણ હાથ ધરાશે. આ ઉપરાંત બ્રીજમાંના જૂના પાયલોનનું કટીંગ કરી મજબૂતી કરણ કરી બ્રીજ રીસ્ટ્રેન્ર્થિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેકટ માટે સરકારે 14.1 કરોડ મંજૂર કર્યા હોય જે પૈકી 9.45 કરોડ રૂપિયા યાત્રાધામ વિકાસ બોર્ડ તેમજ બાકી રહેતા અંદાજિત પાંચ કરોડ રૂપિયા દ્વારકા દેવસ્થાન સમિતિ દ્વારા ભોગવવામાં આવનાર છે.
દાવો:નવો બનનારો સુદામા સેતુ સંપૂર્ણપણે હાઈટેક અને સુરક્ષિત હશે
વર્ષ 2016માં સુદામા સેતુના તત્કાલીન રાજયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હસ્તે લોકાર્પણ બાદથી જ ગોમતી નદીના બંને તરફના કિનારાને જોડતા અને ગોમતી નદી, પંચનદતીર્થ તેમજ જગતમંદિરથી નજીક આવેલ રમણીય સુદામા સેતુ દ્વારકા આવતા દર્શનાર્થીઓ તથા સહેલાણીઓ માટે જગતમંદિર બાદનું પ્રમુખ આકર્ષણનું કેન્દ્ર બની ગયો હોય 2016 થી 2022 સુધીના કોરોનાકાળ સિવાયના સમયગાળામાં દરરોજ પાંચ હજારથી વધુ પ્રવાસીઓની મુલાકાત લેતા જોવા મળ્યા હતા. જો કે સાડા ત્રણ વર્ષની બ્રેક બાદ પુનઃ સુદામા સેતુ નવનિર્માણની કામગીરી શરૂ કરાતા આગામી એક વર્ષના સમયગાળામાં પુનઃ સહેલાણીઓનું મહત્વનું આકર્ષણ બની જશે.(તસ્વીર અહેવાલ:કુંજન રાડિયા)
























































