Mysamachar.in:રાજકોટ
સૌરાષ્ટ્રનું વણજાહેર કરવામાં આવેલું પાટનગર રાજકોટ પોતાના ભૌગોલિક સ્થાન અને ખૂબીઓને કારણે મોટાં નસીબ ધરાવે છે. આવતીકાલથી રાજકોટનું નવું એરપોર્ટ હીરાસર કાર્યરત થઈ જશે. આજે વર્તમાન જૂના એરપોર્ટનો છેલ્લો દિવસ હોય, ફલાઈટ ટેક ઓફ અને લેન્ડ બંધ છે. હાલમાં રાજકોટને 10 ફલાઈટની દૈનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. અને આગામી માર્ચથી હીરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય ફલાઈટ પણ આવ-જા કરશે.
નવા હીરાસર એરપોર્ટ પહોંચવા બસપોર્ટથી દર બે કલાકે AC બસ ઉપલબ્ધ થશે જેમાં પ્રવાસીઓએ 100 રૂપિયા ભાડું આપવાનું રહેશે. ટેકસીનું વનસાઈડ ભાડું રૂપિયા 1,200 છે. હાલમાં રાજકોટ એરપોર્ટ પર દૈનિક 10 ફલાઈટ લેન્ડ અને ટેક ઓફ થાય છે. જો કે હાલનું રાજકોટ એરપોર્ટ સુવિધાઓ અને સેવાઓના મામલે 10 માંથી 10 માર્ક ધરાવતું નથી. તેથી સમગ્ર સૌરાષ્ટ્રના મુસાફરો પરેશાન થતાં હોય છે ! સૌને અપેક્ષાઓ છે કે, આવતીકાલથી હીરાસર એરપોર્ટ પર સેવાઓ અને સુવિધાઓ સારી મળશે. આજે શનિવારે, તહેવારો ટાણે એરપોર્ટ શિફટીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેથી મુસાફરોને હાલાકી પડી રહી છે. બીજી તરફ એરપોર્ટના સત્તાવાળાઓ તથા અધિકારીઓ અને કર્મચારીઓએ આ એરપોર્ટ પરથી અંતિમ ફલાઈટને વિદાય આપતી વેળાએ રોમાંચ અને ગૌરવની અનુભૂતિ કરી. આજે આખો દિવસ શિફટીંગમાં પસાર થશે. જેને કારણે ફલાઈટ આવાગમન બંધ છે. આવતીકાલથી હીરાસર એરપોર્ટ ધમધમશે.
હીરાસર એરપોર્ટ ડીરેકટર દિગંત બોહરા કહે છે, નવા એરપોર્ટ પર સૌ પ્રથમ કસ્ટમ સર્વિસ શરૂ થશે અને માર્ચથી ઇન્ટરનેશનલ ફલાઈટ. તમામ ફલાઈટ શેડયૂઅલ જૂના એરપોર્ટ માફક જ રહેશે. બસપોર્ટ પરથી હીરાસર જવા પ્રથમ બસ સવારે 6 વાગ્યાથી મળશે. હીરાસરથી બસપોર્ટ આવવા પ્રથમ બસ સવારે 7 વાગ્યાથી ઉપલબ્ધ થશે. હાલના એરપોર્ટ પરથી મુંબઇની જે આખરી ફલાઈટ ગઈ તેમાં ટેક્નિકલ ક્ષતિ થતાં આ ફલાઈટ પરત રાજકોટ આવી, મુસાફરો પરેશાન થયા અને અંતે ફલાઈટ રદ્દ કરવી પડી. તહેવારો સમયે લોકો હેરાન થતાં નારાજગી વ્યક્ત થઈ.