Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યના માહિતી આયોગે RTI ના હાર્દને વધુ સારી રીતે લોકો સુધી પહોંચાડવા, જાહેર માહિતી અધિકારીઓ તથા પ્રથમ અપીલ અધિકારીઓને એક ખાસ પ્રકારની ચેતવણી આપી છે. આ ચેતવણીથી RTI અરજદારને ઘણો લાભ થશે.
RTIના કેટલાંક વ્યક્તિગત કેસમાં એવું બન્યું હોય છે કે, કોઈ RTI ઓથોરિટીએ સંબંધિત કેસમાં કોઈ આદેશ કર્યો હોય છે. ઘણાં જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓ આવા ભૂતકાળના કોઈ વ્યક્તિગત આદેશને, કોઈ નવા કે અન્ય કેસમાં લાગુ કરે છે, ભૂતકાળના આદેશનું ખોટું અર્થઘટન કરે છે, જેને કારણે ઉભી થતી સ્થિતિઓમાં નવા-અન્ય અરજદારને અન્યાય થવાની અથવા માહિતી અધિકાર કાયદાના હાર્દનો ભંગ થવાની શકયતાઓ રહેતી હોય છે. આથી આ પ્રકારની પ્રેક્ટિસ પર આયોગે ચેતવણી આપવી પડી છે.
આયોગે કહ્યું: ઘણાં લોકો RTI નો અતિ ઉપયોગ કરતાં હોય છે એ ખરૂં પણ, તેથી તેના સંબંધમાં થયેલો જૂનો આદેશ કોઈ અન્ય અરજદારના કેસમાં લાગુ ન પાડવો જોઈએ. જે જાહેર માહિતી અધિકારીઓ કે પ્રથમ અપીલ અધિકારીઓ આમ કરશે, જૂના આદેશનું ખોટું અર્થઘટન અન્ય કોઈ કેસમાં કરતા માલૂમ પડશે કે તેવી ફરિયાદ થશે તો, તે અધિકારીઓ વિરુદ્ધ શિસ્તવિષયક સહિતની અન્ય કાર્યવાહીઓ કરવાની આયોગને ફરજ પડશે.
