Mysamachar.in-જામનગર;
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં જિલ્લાઓ અને તાલુકા પંચાયતોની તથા કોર્પોરેશનોની ચૂંટણીઓ ક્યારે થશે ? એ પ્રશ્નનો ઉત્તર કોઈ પાસે નથી. ચૂંટણીઓ માટે ‘ગોઠવણ’ કેવી રીતે કરવી ? એ અંગે ચૂંટાયેલા ‘સેવકો’ સુધી હજુ કોઇ જ પક્ષની માર્ગદર્શિકા પહોંચી હોય એવા કોઈ જ સંકેત પ્રાપ્ત થતાં નથી. બધે જ અજીબ સન્નાટો છવાઈ ગયો છે.
જામનગર મહાનગરપાલિકાના દ્રશ્ય અંગે એવું લખી શકાય કે, આ સંસ્થામાં શાસકપક્ષના 50 સભ્યો પૈકી માત્ર 10 ટકા સભ્ય સમગ્ર ટર્મ દરમ્યાન કાંઈક સક્રિય દેખાયા. બાકીના સભ્યોએ ખાલી ખાલી ટર્મ પૂર્ણ કરી. અને આ સભ્યો પૈકી કોઈ કોર્પોરેશનમાં મતદાતાઓના કામો માટે દેખાતાં પણ નથી. જે પૈકી મોટાભાગના તો એવું પણ માની રહ્યા છે કે, આગામી ચૂંટણીઓમાં કોઈ ચમત્કાર થઈ જાય તો જ આપણને ‘ટિકિટ’ મળે !
વિપક્ષની હાલત તો એથીયે બૂરી અને વેરવિખેર હોવાની જાણકારીઓ મળી રહી છે. એકાદ બે સભ્યને બાદ કરતાં બાકીનાને તો કોર્પોરેશનમાં ધક્કો ખાવામાં કે આંટો મારવામાં પણ રસ ન હોય તેમ દેખાઈ રહ્યું છે. સંપૂર્ણ નિરસતા. શાસક હોય કે વિપક્ષ લોકોને એમ હોય છે કે, આપણે ફલાણાને જિતાડીએ તો ક્યારેક કામ આવે. પરંતુ મતદાતાઓ કોર્પોરેશન કચેરીએ વિવિધ કામો માટે રોજ અથડાતા-કૂટાતા રહે છે અને સેવકો અદ્રશ્ય !
જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં પણ આવી જ ઉદાસીન સ્થિતિઓ અને વલણો જોવા મળી રહ્યા છે. કયાંય, કોઈ ગતિશીલતા નહીં. ચૂંટાયેલા લોકોને ન સમગ્ર તાલુકા કે જિલ્લાના કામોમાં રસ છે અને ન તો એમને લોકોના પ્રશ્નોમાં કોઈ દિલચસ્પી છે, એવો નિષ્ક્રિય માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણીઓ અગાઉના સમયમાં આટલું નિરાશાજનક વાતાવરણ નિહાળી શાસક અને વિપક્ષ-બંને રાજકીય સંગઠનો પણ અકળામણ અનુભવી રહ્યા છે.
જો કે કેટલાંક ગણતરીબાજ સેવકો, ચૂંટણીઓ નજીક આવતાં જ વરસાદી દેડકાં માફક ડ્રાઉં ડ્રાઉં બોલી રહ્યા છે અને અમે લોકોના કામ કરી રહ્યા છીએ એવો દેખાડો પણ શરૂ કરી ચૂક્યા છે. આ પ્રકારની હકીકતોને કારણે મતદાતાઓ અને સ્થાનિક આગેવાનો વચ્ચેનું અંતર વધી રહ્યું હોય- એવી પરિસ્થિતિઓ શહેર અને જિલ્લામાં બધે જ જોવા મળી રહી છે.
કોર્પોરેશન અને જિલ્લા પંચાયતમાં જ્યારે પણ જનરલ બોર્ડની બેઠકો યોજાય છે ત્યારે, અમુક કલાકો પૂરતો અમે સક્રિય છીએ, એવા દેખાડા થઈ રહ્યા છે. હકીકતમાં કયાંય પોલિટિકલ વાઈબ્રન્સી કે ઉમંગ કે ઉત્સાહનો અભાવ જોવા મળી રહ્યો છે. એકંદરે આ બધી બાબતોનું નુકસાન મતદાતાઓના ખાતે ઉધારાતું રહે છે. નાગરિકો બિચારાં પોતાના કામો માટે કચેરીઓમાં આથડી રહ્યા છે. એમની તકલીફો સાંભળનાર કોઈ નથી, ન સેવકો કે ન અધિકારીઓ !





















































