Mysamachar.in:આણંદ
તમે એટીએમ સેન્ટર પર હોવ અને કોઈ મદદ કરવાનું કહે તો ચેતજો આવા ઇસમોથી આવા ઈસમો મદદ ને બહાને તમારું કાર્ડ મેળવી અને તેમાંથી નાણા ઉપાડી શકે છે, આવી ગેંગના કેટલાક ઈસમો આણંદ પોલીસને હાથ લાગતા પોલીસે 50 ગુન્હાઓ પરથી પરદો ઉચકી લીધો છે. આણંદ શહેરના વ્યાયામ શાળા પાસેના તળાવ પાસેથી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે મદદના બહાને એટીએમ કાર્ડ બદલી લઈ ઠગાઈ કરતા ચાર શખસોને કારમાં પસાર થતી વેળાએ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી અલગ-અલગ બેન્કના 48 એટીએમ કાર્ડ કબજે લીધા હતા. પોલીસ તપાસમાં તેમણે 50 જેટલાં ગુનાઓ આચર્યાની કબુલાત આપી છે,
પોલીસે પૂછપરછમાં ચારેય શખસ ઉત્તરપ્રદેશના હોવાનું અને તેમના નામ અંકિત કિરણપાલસિંહ ચૌધરી, પંકજ ઉર્ફે પિન્ટુ સત્યદેવસિંહ લેખરાજસિંહ ચૌહાણ, અમિત રમેશચંદ્ર જાટ અને કૈલાશકુમાર જગદીશસિંહ જાદૌન હોવાનું ખૂલ્યું હતું. પોલીસે તેમની અંગજડતી અને કારમાં તપાસ કરતાં કારમાંથી અલગ-અલગ વ્યક્તિના 48 એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. પોલીસે તેમની સઘન પૂછપરછ કરતા 50 જેટલાં ગુનાઓની કબુલાત કરી હતી.
જેમાં તેઓ દ્વારા એટીએમ સેન્ટર બહાર ઊભા રહી પૈસા ઉપાડવા આવતા લોકો પર નજર રાખી એટીએમ કાર્ડ ઓપરેટ કરતા ન આવડે તેવા લોકોને મદદના બહાને ઓરિજનલ કાર્ડ કાઢી લઈ ડમી કાર્ડ પધરાવી દઈ, પીન નંબર જાણી લઈ તેમના ગયા બાદ તેમના જ કાર્ડનો ઉપયોગ કરીને પૈસા ઉપાડી લેતા હતા. અત્યાર સુધીમાં તેમણે આણંદ ઉપરાંત, હાલોલ, કાલોલ, સુરત, વડોદરા, ડબોઈ, રાજસ્થાન, હરીદ્વાર, દહેરાદુન, ઉત્તરાખંડ, આગ્રા, ફિરોજાબાદ, અજમેર, મુંબઈ જેવા શહેર-વિસ્તારમાં લોકોને ટાર્ગેટ કર્યા હોવાનું કબુલ્યું હતું.