Mysamachar.in-ગાંધીનગર:
ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીઓમાં, રાજ્યની તમામ 26 લોકસભા બેઠક ઓછામાં ઓછી પાંચ પાંચ લાખની લીડથી જિતવાનો નિર્ધાર કર્યો હોય, આ વખતે તમામ 156 ધારાસભ્યએ વધુ મહેનત કરવાની રહેશે. આ પ્રકારની સૂચનાઓ ખુદ પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપી દેવામાં આવી છે.
પ્રદેશ બીજેપી અધ્યક્ષે કહ્યું છે, તમામ ધારાસભ્યો, સંગઠન અને કાર્યકર્તાઓએ આ માટે વધુ સારૂં સંકલન ગોઠવવા પર ભાર આપવાનો રહેશે. તેઓએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, આ માટે દરેક ધારાસભ્યને વધુમાં વધુ મતો મેળવવા મુદ્દે વ્યક્તિગત ટાર્ગેટ આપી દેવામાં આવ્યા છે. તેઓએ ગત વિધાનસભા ચૂંટણીઓમાં મેળવેલા મતો કરતાં વધુ મતો લોકસભા ચૂંટણીઓમાં મેળવવાના રહેશે.
આ સૂચનાઓનો એક અર્થ એ પણ થઈ શકે કે, પક્ષ તરફથી લોકસભા ટિકિટ કોઈને પણ આપવામાં આવે, તેને પાંચ લાખથી વધુ મતની લીડથી જિતાડવાની જવાબદારીઓ તે બેઠક અંતર્ગતના ધારાસભ્યોની રહેશે. અને જે મતવિસ્તારમાં પક્ષે વિધાનસભા બેઠકો ગુમાવી છે ત્યાં સંગઠને વધુ કસરત કરવાની થશે, નહિંતર એ બેઠક પર પક્ષ ધાર્યું પ્રદર્શન નોંધાવી શકશે નહીં. દાખલા તરીકે, જામનગર જિલ્લાની વાત કરીએ તો, જામજોધપુર વિધાનસભા મત વિસ્તાર આ પ્રકારનો વિસ્તાર છે.
CR પાટીલે વધુમાં કહ્યું કે, દરેક લોકસભા બેઠક પર પાંચ લાખથી વધુની લીડનું ટાર્ગેટ પાર પાડવા, માત્ર સૂત્રોના અને નારાઓના સહારે ન બેસી શકાય. કારણ કે, રાજ્યમાં 52,000 પૈકી 15,700 બૂથ એવા છે જ્યાં પક્ષનું પ્રદર્શન વિપક્ષ કરતાં નબળું રહ્યું છે.
પાટીલે એમ પણ કહ્યું કે, ગત્ વિધાનસભા ચૂંટણીઓ દરમિયાન પક્ષના સાંસદો અને કાર્યકર્તાઓએ વિધાનસભાના ઉમેદવારોને જિતાડવા ખૂબ કામ કર્યું, આ ચૂંટણીઓમાં ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ લોકસભા ઉમેદવારને જિતાડવા મહેનત કરવાની રહેશે. દરેક ધારાસભ્યએ આ માટે સંગઠન અને કાર્યકર્તાઓ વચ્ચે બેસ્ટ સંકલન ગોઠવવાનું રહેશે. અને તેઓએ વ્યક્તિગત રીતે આ ટાર્ગેટ પાર પાડવાના રહેશે.
તેઓએ એમ પણ કહ્યું કે, દેશભરમાં વડાપ્રધાને રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીઓ દરમિયાન ખૂબ જ સારૂં વાતાવરણ તૈયાર કરી આપ્યું છે અને વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સરકારે લોકોને આપેલાં વચનો પૂરાં કર્યા છે, મતદારોનો ભાજપા પ્રત્યેનો વિશ્વાસ પણ વધ્યો છે ત્યારે, દરેક ધારાસભ્યએ લોકસભા ચૂંટણીઓનો ટાર્ગેટ નજર સમક્ષ રાખવાનો રહેશે.