Mysamachar.in:અમદાવાદ:
આદર્શ રીતે એમ કહેવામાં આવે છે કે, મેડિકલ ક્ષેત્ર એથિકસનું ક્ષેત્ર છે,અહીં સેવાઓ મુખ્ય બાબત છે. પરંતુ સૌ જાણે છે કે, સમાજમાં ફેલાઈ ચૂકેલી અનીતિ આ ક્ષેત્રમાં પણ સમયાંતરે જાહેર થતી રહે છે, આવું વધુ એક વખત બન્યું છે, ખુદ એસોસિએશને મેડિકલ સ્ટોર સંચાલકોને જાહેરમાં ચેતવણી આપવી પડી છે. આ મામલો અતિ ગંભીર છે.
એમ કહેવાય છે કે, દવાના ધંધામાં 10-20 ટકા માર્જિન છે.(જો કે આ પ્રચાર ખોટો પણ હોય શકે) આમ છતાં કેટલાંક મેડિકલ સ્ટોર ગ્રાહકોને દવાઓની ખરીદી પર 30-40 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે. આવા ધંધાર્થીઓ બોગસ દવાઓ વેચતાં હશે ?! એ પ્રશ્ન સપાટી પર એટલાં માટે આવ્યો કેમ કે, ખુદ એસોસિએશને બનાવટી દવાઓ મામલે ચેતવણી આપવી પડી છે અને એ પણ જાહેરમાં. અંદરની વાત બહાર આવી ગઈ.
ગુજરાતમાં અંદાજે 34,000 જેટલાં મેડિકલ સ્ટોર છે. આ કેમિસ્ટો માટે અમદાવાદમાં એક વર્કશોપ યોજાયેલો, જેમાં ખુદ ચેરમેન જશુ પટેલએ મેડિકલ સ્ટોર સંચાલકોને ઓપન ચેતવણી આપતાં કહ્યું, આપણો બિઝનેસ 10-20 ટકા માર્જિનનો છે, આમ છતાં કેટલાંક મેડિકલ સ્ટોર સંચાલકો ગ્રાહકોને 30-40 ટકા ડિસ્કાઉન્ટ આપી બજારમાં બનાવટી દવાઓ ઘૂસાડવાના પ્રયાસો કરી રહ્યા છે જે દુખ:દ બાબત છે અને આવા ધંધાર્થીઓના લાયસન્સ રદ્દ કરવાની એસોસિએશન ભલામણ કરશે એમ પણ તેઓએ ઉમેર્યું.
આ વર્કશોપમાં ભારતભરના મેડિકલ સ્ટોર સંચાલકો ઉપસ્થિત રહ્યા હતાં. ભારત સરકારે 2018માં ઓનલાઈન ફાર્મસી અંગેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે પરત ખેંચવાની માંગ પણ આ વર્કશોપમાં થઈ. આ માંગ સંગઠનના નેશનલ સચિવ રાજિવ સિંઘલે કરી હતી.
સંગઠનના ગુજરાત ચેરમેન જશુ પટેલએ કહેલું કે, ડ્રગ કંટ્રોલ ઓર્ડર મુજબ આપણો વ્યવસાય મર્યાદિત માર્જિન ધરાવતો હોવા છતાં કેટલાંક લોકો ઉંચુ ડિસ્કાઉન્ટ આપી બજારમાં બનાવટી દવાઓ ઘૂસાડે છે. (ચેરમેનનું બયાન અતિ ગંભીર અને ઘાતક છે, લોકોની જિંદગીઓ સાથે આવો જિવલેણ ખેલ ?! જવાબદાર તંત્ર અને સરકાર શું કરે છે ?!).