Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાનાં બહાદૂરોને પણ નાના ધંધાર્થીઓને ત્યાં દંડૂકડી પછાડવાની પોલીસગીરી કરવાની આદત પડી ગઈ છે ! પર્યાવરણ અને પ્રતિબંધો મુદે મહાનગરપાલિકા ગામમાં જ્ઞાન બાંટે છે. જાહેરનામાનો હવાલો આપે છે. સુપ્રિમ કોર્ટ પ્રત્યે પ્રેમ હોય તેવો દેખાડો કરે છે. અને, નાના ધંધાર્થીઓને દબડાવે છે તથા ધમકીઓ આપે છે ! આ જ મહાનગરપાલિકાનાં બહાદૂરો મોટાં માથાંઓને ત્યાં જવાનું પસંદ નથી કરતાં. અત્રે પ્રતિબંધિત પ્લાસ્ટીકની વાત છે.
જામનગર કોર્પોરેશનનાં બહાદુરો રોજ સવાર પડે ને નાના વેપારીઓને દબડાવવા નીકળી પડે છે. પ્રતિબંધિત પ્લાસ્ટીક મુદે એકદમ નાના વેપારીઓને ધમકાવે છે. 200-400 ગ્રામ પ્લાસ્ટીક કબજે કરીને મોટી મોથ મારી હોય એમ રોજ અખબારી યાદી મારફતે ગરજે છે, ફોટા પડાવે છે અને હરખાય છે કે, અમે કામ કર્યું.
આ નાના વેપારીઓ આ પ્રતિબંધિત પ્લાસ્ટીક મોટા વેપારીઓને ત્યાંથી પોતાના ગ્રાહકો સાચવવા ખરીદે છે. પ્રતિબંધનો અત્રે વિરોધ નથી. કામગીરીનો પણ વિરોધ નથી. પરંતુ કહેવાનો અર્થ એટલો જ છે કે, આ અધિકારીઓ અને કર્મચારીઓ પ્રતિબંધિત પ્લાસ્ટીકનાં મોટા વેપારીઓને ત્યાં શા માટે નથી જતાં ?! તેઓની લાજ કાઢે છે ? કે, ત્રેવડ નથી ?!
અને, જામનગરમાં આટલાં મોટા ઉદ્યોગનગરો છે જેમાં જામનગરની પ્લાસ્ટીકની જરૂરિયાત સંતોષવા કારખાનાઓ પણ ધમધમતા હશે જ, ત્યાં જવાને બદલે આ બહાદૂરો 17 વેપારીઓને ત્યાંથી માત્ર 11 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક કબજે લઈ 11 ફોટા પડાવે છે ! અને આ નાના ધંધાર્થીઓને એવી પણ ધમકીઓ આપે છે કે, સીધા નહીં ચાલો તો તમારી મિલ્કત પણ જપ્ત કરી લેશું ! આ બહાદૂરો પ્રતિબંધિત પ્લાસ્ટીક પર શહેરમાં જડબેસલાખ પ્રતિબંધ લાદી શકે એમ ન હોય તો પછી નાના વેપારીઓની કનડગત બંધ કરવી જોઇએ, એવી લાગણી વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.