Mysamachar.in-જામનગર:
કોર્પોરેશનથી માંડીને કેન્દ્ર સરકાર સુધીની સંસ્થાઓ દર વર્ષે આવક ખર્ચ ના અંદાજો લગાવતી હોય છે, આંકડાઓની ગોઠવણ કરતી હોય છે. અને, આ તમામ આંકડાઓ ગોઠવી બજેટ જાહેર કરતી હોય છે. કેટલાંક લોકો માટે બજેટ અને બજેટનો દિવસ ખાસ હોય છે. ઘણાંને મન તો બજેટ એટલે જ બધું જ. પરંતુ જેમ જેમ દિવસો વીતે છે, અંદાજેલા આંકડાઓ અને વાસ્તવિક આંકડાઓ વચ્ચેનું અંતર સ્પષ્ટ થઈ જતું હોય છે.
જામનગર મહાનગરપાલિકાએ વર્તમાન નાણાંકીય વર્ષ 2025-26નું બજેટ ગત્ વર્ષે જાહેર કર્યું ત્યારે, હોંશભેર એમ જાહેર કરવામાં આવ્યું હતું કે, વર્ષ દરમ્યાન આપણે રૂ. 1,430 કરોડની આવક પ્રાપ્ત કરીશું અને વર્ષ દરમ્યાન આપણે પ્રાથમિક સુવિધાઓના અને વિકાસના કામો પાછળ રૂ. 1,493 કરોડનો ખર્ચ કરીશું એટલે શહેર ટનાટન થઈ જશે.
ત્યારબાદ, Mysamachar.in દ્વારા મહાનગરપાલિકામાંથી આવક ખર્ચના આંકડાઓ મેળવવામાં આવ્યા. મહાનગરપાલિકાએ બજેટ જાહેર કર્યું ત્યારે એમ જાહેર કરેલું કે વર્ષ 2025-26 દરમ્યાન આપણે સ્વભંડોળની રૂ. 381.75 કરોડની અને રૂ. 141.25 કરોડની (મહેસૂલી)ગ્રાંટ મળી કુલ રૂ. 523 કરોડની આવક મેળવીશું. મહાનગરપાલિકાએ હાલ જાહેર કર્યું કે, 01-04-2025 થી 31-12-2025 એટલે કે વર્તમાન નાણાંકીય વર્ષના પ્રથમ 9 માસ દરમ્યાન, આ રૂ. 523 કરોડની અંદાજિત આવક સામે રૂ. 275.93 કરોડની આવક મેળવી છે. જાન્યુઆરીથી માર્ચ 2026 સુધીની આવક આમાં ઉમેરાશે. આ 9 મહિના દરમ્યાન કુલ વાર્ષિક અંદાજિત આવકના લગભગ 52.75 ટકા જેટલી આવક મળી શકી છે. એટલે કે, 9 માસ દરમ્યાન અંદાજ મુજબ આશરે રૂ. 392.25 કરોડ જેટલી આવક થવી જોઈતી હતી, તે આવક ખરેખર તો રૂ. 275.93 કરોડ થઈ. એટલે કે આ 9 માસ દરમ્યાન આ અંદાજિત આવકમાં રૂ. 116.32 કરોડનું ગાબડું પડ્યું. અંદાજ કરતાં આટલી આવક ઓછી થઈ.
આ ઉપરાંત મહાનગરપાલિકાએ એવો અંદાજ લગાવ્યો હતો કે, રાજ્ય અને કેન્દ્ર સરકારમાંથી વર્ષ 2025-26 દરમ્યાન જામનગરને રૂ. 728 કરોડ મળશે. આ નાણાં કેપિટલ ગ્રાંટ તરીકે આવશે. આ હિસાબ અનુસાર આ 9 માસ દરમ્યાન જામનગરને રૂ. 546 કરોડ સરકારમાંથી મળવા જોઈતા હતાં. પરંતુ જામનગરને આપવામાં આવ્યા રૂ. 395.57 કરોડ, એટલે કે આ 9 માસ દરમ્યાન આ આવકમાં રૂ. 150.43 કરોડનું ગાબડું પડી ગયું.
આ ઉપરાંત મહાનગરપાલિકાએ એવું ધારેલું કે, વર્ષ 2025-26 દરમ્યાન આપણે કેપિટલ સ્વભંડોળ તરીકે રૂ. 123 કરોડની આવક પ્રાપ્ત કરીશું. ડિસેમ્બર સુધીમાં મહાનગરપાલિકાએ આ વિભાગમાં માત્ર રૂ. 9.96 કરોડની આવક મેળવી છે. આ સાથે જ મહાનગરપાલિકાએ ધારેલું કે, ડિપોઝિટ આવક તરીકે આપણે વર્ષ દરમ્યાન રૂ. 54 કરોડ અને એડવાન્સ આવક તરીકે રૂ. 2 કરોડ પ્રાપ્ત કરીશું. તેની સામે આ નવ માસ દરમ્યાન રૂ. 41 કરોડ અને રૂ. 6 લાખની આવક મેળવી.
આમ મહાનગરપાલિકાએ અંદાજપત્ર બનાવતી વખતે ધારેલું કે વર્ષ દરમ્યાન રૂ. 1,430 કરોડની એટલે કે દર મહિને રૂ. 119.16 કરોડની આવક થશે. આ અંદાજ મુજબ આ નવ માસ દરમ્યાન કુલ રૂ. 1,072 કરોડની આવક થવી જોઈતી હતી, આવક થઈ છે રૂ. 723 કરોડ એટલે કે આ નવ મહિના દરમ્યાન આવકમાં રૂ. 350 કરોડનું ગાબડું પડી ગયું.
તેની સામે મહાનગરપાલિકાએ અંદાજપત્ર રજૂ કર્યું ત્યારે, એમ જાહેર કરેલું કે, વર્ષ 2025-26 દરમ્યાન કુલ રૂ. 1,493 કરોડનો ખર્ચ કરી પ્રાથમિક સુવિધાઓ વધારીશું અને વિકાસના કામો કરીશું. આ પ્લાનિંગ અનુસાર 31-12-2025 સુધીમાં મહાનગરપાલિકાએ કુલ રૂ. 1,120 કરોડ જેટલો ખર્ચ કરવો પડે પરંતુ મહાનગરપાલિકા ડિસેમ્બર સુધીમાં રૂ. 690 કરોડનો ખર્ચ કરી શકી. મતલબ, આ નવ માસ દરમ્યાન કુલ રૂ. 430 કરોડના પ્રાથમિક સુવિધાઓ અને વિકાસના કામો “લટકી” પડ્યા.
આગામી મહિનાઓમાં ચૂંટણીઓ છે, એટલે ફરી થોડાક દિવસ બાદ આગામી નાણાંકીય વર્ષ માટે ” સુંદર, મનમોહક અને ફૂલગુલાબી બજેટના આંકડાઓ ” સૌ નગરજનો સમક્ષ પેશ કરવામાં આવશે.(file image)
























































