Mysamachar.in-જામનગર:
જામનગરના ગાંધીનગર વિસ્તારમાં શહેરના ઘન કચરામાંથી વીજળી બનાવવાનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ધરાવતી કંપની ‘ગોઠવણ’માં, શરૂઆતથી જ માહિર છે, એ હકીકત હાલ વધુ એક વખત સાબિત થઈ. આ પ્લાન્ટ પાટનગર ગાંધીનગરથી મળેલા ‘અમૂલ્ય’ માર્ગદર્શન બાદ ફરી શરૂ થયો પણ હાલ આ પ્લાન્ટ કંપની પોતાની અનુકૂળતા મુજબ ચલાવશે અને ‘કમાણી’ કરવાનું ચાલુ રાખશે.
આ પ્લાન્ટ કચરામાંથી વીજળી બનાવવાનો પ્લાન્ટ છે. પરંતુ ગુજરાત સરકારના વીજ સત્તાવાળાઓ સાથે પણ કંપની ડખ્ખો ચલાવી રહી છે. કંપની કહે છે: અમને વીજળી ઉત્પન્ન કરવી પોસાતી નથી, સરકાર જે ભાવે અમારી પાસેથી વીજળી ખરીદે છે તે ભાવ અમારી દ્રષ્ટિએ યોગ્ય નથી. આથી અમે જામનગર પ્લાન્ટ ખાતે કચરો મેળવીશું પરંતુ વીજ ઉત્પાદન નહીં કરીએ. સરકારે ડોકું હલાવી દીધું અને કંપનીને ‘મનમાની’ કરવા હા પાડી દીધી.
આ નિર્ણય અનુસાર, જામનગરમાં આવેલો આ પ્લાન્ટ હાલ ફરી કાર્યરત થયો છે પણ જામનગરના કચરામાંથી વીજળી નહીં બનાવે, કચરામાંથી ‘કિંમતી’ માલ અલગ તારવી, બજારમાં વેચાણ કરી, રોકડી કરી લેશે. આ કંપની કમાણી કરી શકે તે માટે જામનગર મહાનગરપાલિકા સ્વખર્ચે કંપનીને રોજ 300-350 ટન કચરો આપતી રહેશે.
જામનગર મહાનગરપાલિકાએ આ કંપની સાથે, સરકારની ઈચ્છા અનુસાર, શરૂઆતથી અત્યાર સુધી હંમેશા નીચલી જ લીધી છે, કયારેય કંપની પ્રત્યે મહાનગરપાલિકાએ કડક વલણ અખત્યાર કર્યું નથી, સૌ માટે સરકાર માઈબાપ છે અને સરકાર સાથેની ‘ગોઠવણ’માં કંપનીઓ માહિર હોય છે, રાજ્યના અન્ય શહેરો માફક જામનગરમાં પણ આ કચરા સંબંધે ‘કંપનીરાજ ઝિંદાબાદ’ ચાલી રહ્યું છે. અધિકારીઓ અને પદાધિકારીઓ ધારે તો પણ આ કંપનીને કશું કહી શકવાની સ્થિતિમાં નથી.
























































