Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકાના વિસ્તારોમાં રહેતી સાત લાખ કરતાં વધુની વસતિનું આરોગ્ય રામભરોસે છે કારણ કે, મહાનગરપાલિકાની ફૂડશાખાનું ખુદનું ‘રસોડું’ ગંધાય છે. આ શાખામાં કાયમ માટે કાંઈક ને કાંઈક ‘રંધાતુ’ રહે છે, જેની વાસ નગરજનો સૂંઘે છે અને સમજે છે કે, આ શાખાની મથરાવટી લાંબા સમયથી મેલી છે, જેના કારણે શહેરના ઘણાં બધાં ધંધાર્થીઓ ‘જલસો’ માણી રહ્યા છે.
રાજકોટ હોય કે અમદાવાદ, સુરત હોય કે વડોદરા- ત્યાંની મહાનગરપાલિકાઓની ફૂડશાખા સતત દોડે છે, લોકોના આરોગ્ય અને જિંદગીઓ સાથે ખિલવાડ કરતાં ધંધાર્થીઓના કપડાં ઉતારી ઉઘાડા પાડે છે. ધડાધડ એકમો સીલ કરે છે. ધંધાર્થીઓને દંડ કરે છે. ધંધાર્થીઓને ત્યાં ઉત્પાદન અને વેચાણ થતી અસંખ્ય ખાદ્ય ચીજ ખાદ્ય નથી, એવા રિપોર્ટ મેળવવામાં અને લોકો સમક્ષ જાહેર કરવામાં સફળ રહે છે. તેની સામે જામનગર મહાનગરપાલિકાની ફૂડશાખા કાયમ માત્ર ફોટોસેશનમાં જ વ્યસ્ત રહે છે, ધંધાર્થીઓ સાથે ‘મધુર’ સંબંધો રાખે છે, એ હકીકતથી હવે કોઈ અજાણ રહ્યું નથી.
તાજેતરમાં આ શાખાએ શહેરના ઘણાં બધાં ધંધાર્થીઓને ત્યાંથી ખાદ્ય પદાર્થોના નમૂનાઓ લીધાં પણ આ શાખાએ આ ધંધાર્થીઓના નામો સંતાડી દીધાં. આ ઉપરાંત આ શાખાએ બે આઈસ ફેકટરીમાં પાણીની તપાસ કરી ત્યાં પાણીમાં બેકટેરિયા મળી આવ્યા, આ ફેકટરીઓને ઉત્પાદન અને વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. પરંતુ આ વિગતો આ શાખાએ પ્રેસનોટમાંથી ગાયબ કરી દીધી અને પત્રકારોને તથા નગરજનોને ઉપયોગી માહિતીઓથી વંચિત રાખ્યા. આમ કરવા પાછળ અધિકારીઓનો આશય શું હોય શકે ? એ અંગે શહેરમાં ચર્ચાઓ ઉઠી છે.
જામનગર મહાનગરપાલિકાની ફૂડશાખા કેવી રીતે કામ ઉતારે છે- તે મોડસ ઓપરેન્ડી પર મહાનગરપાલિકામાં કોઈની દેખરેખ નથી ?! પદાધિકારીઓ આ બધી બાબતોથી અજાણ હોય છે ?! પદાધિકારીઓને સાત લાખની વસતિના આરોગ્યની ચિંતાઓ નથી ? શા માટે ફૂડશાખા પ્રત્યે આકરૂં વલણ અખત્યાર કરવામાં આવતું નથી ?! કરદાતા નગરજનો આ બધી જ ગંભીર બાબતોની નોંધ લઈ રહ્યા છે. અને નગરજનોના મનમાં મહાનગરપાલિકા પ્રત્યે રોષ અને નારાજગીઓ છે.






















































