Mysamachar.in-જામનગર:
તમે ઘણી વખત એવી ખબરો વાંચી કે સાંભળી હશે કે, મોંઘી વીજળી ગ્રાહકોને વેચી તંત્ર ‘લૂંટ’ ચલાવી રહ્યું છે. પરંતુ સોલાર પેનલ સિસ્ટમ આવ્યા બાદ હવે ગ્રાહકો વીજતંત્રને વીજળી વેચે છે અને કરોડો રૂપિયાની ‘કમાણી’ કરે છે. જામનગરના લોકો પણ કરોડોની કમાણી કરી રહ્યા છે, જો કે સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય શહેરોની સરખામણીએ જામનગરના લોકોની કમાણી ઓછી છે.
સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં આંકડા દર્શાવે છે કે, 2023-24 ની સરખામણીએ વર્ષ 2024-25 માં 60.97 ટકા સોલાર ગ્રાહકો વધ્યા. અને, આ ગ્રાહકોએ વર્ષ દરમિયાન વીજતંત્રને વીજળી વેચી રૂ. 65.58 કરોડની કમાણી કરી. જેમાં જામનગરના 19,399 ગ્રાહકોએ રૂ. 526.17 લાખ રૂપિયાની વીજળી તંત્રને વેચાણથી આપી. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સોલાર ગ્રાહકોની સંખ્યા 2,27,770 છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં સોલાર ગ્રાહકોની સૌથી મોટી સંખ્યા રાજકોટ શહેરમાં 51,844 છે. બીજા નંબરે રાજકોટ ગ્રામ્ય 32,316 છે. જામનગર પાંચમા ક્રમે છે. અને, સૌથી ઓછા 7,392 સોલાર ગ્રાહકો અંજારમાં છે. જામનગરની સરખામણીએ અમરેલીમાં ગ્રાહકો ઓછા છે પણ તેમણે જામનગર કરતાં વધુ રકમની વીજળી તંત્રને વેચાણ કરી.
આગામી જૂનમાં વીજતંત્ર આ રકમ ગ્રાહકોને જમા આપશે, એમ સૂત્ર કહે છે. વર્ષ 2023-24ની સરખામણીએ વર્ષ 2024-25 માં વળતરની આ રકમમાં 57.55 ટકાનો તોતિંગ વધારો થયો કારણ કે ગ્રાહકોની સંખ્યા વધતી રહી છે. 2022માં તંત્રએ ગ્રાહકો પાસેથી રૂ. 29.10 કરોડની વીજળી ખરીદી હતી, 2023માં આ આંકડો રૂ. 41.63 કરોડનો હતો. વર્ષ 2024નું વળતર રૂ. 65.58 કરોડ આવતા મહિને ગ્રાહકોને આપી દેવામાં આવશે.
