Mysamachar.in-જામનગર:
સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની મહાનગરપાલિકા જેવી કોઈ પણ સંસ્થા નવા નાણાંકીય વર્ષના આરંભે વિકાસના આયોજન ધડાધડ ઘડતી હોય છે અને શહેરની ‘સંસદ’ સમાન મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકોમાં આ નવા કામોની વ્યાપક ચર્ચાઓ થતી હોય છે અને જેતે શહેરની વિકાસદોટને ગતિશીલ બનાવવામાં આવતી હોય છે. પરંતુ જામનગર મહાનગરપાલિકા આ બાબતે ઉદાસીન હોવાનું સમજાઈ રહ્યું છે. શાસકપક્ષ માફક વિપક્ષ પણ વિકાસ એજન્ડા બાબતે મોટેભાગે મૌન જ રહેતો હોય, શહેરની વિકાસગતિ વાઈબ્રન્ટ બની શકતી નથી અને નવા કામોની જનરલ બોર્ડમાં ચર્ચાઓ પણ થઈ શકતી નથી. બીજી તરફ કરોડોના વિકાસકામોના આયોજનમાં જનરલ બોર્ડને બાયપાસ કરી નાંખવાનું વલણ પણ દેખાઈ રહ્યું છે.
આગામી 19મી એ શહેરના ટાઉનહોલમાં જનરલ બોર્ડની બેઠક આયોજિત કરવામાં આવી છે. જેમાં શહેરમાં કેટલીક જગ્યાઓ બગીચાઓ માટે ખાનગી પાર્ટીઓને સોંપવાની એક વાત છે. અને, આ ઉપરાંત આગામી સમયમાં કોર્પોરેશન દ્વારા ‘આવાસો’ સંબંધિત જે નવા આયોજન થવાના છે, તેની ઉપરછલ્લી ચર્ચાઓથી વધુ આ બેઠકમાં કશું થશે નહીં.
અત્રે ઉલ્લેખનિય છે કે, શહેરના ભાવિ વિકાસના મુદ્દાઓ જો શાસકપક્ષ દ્વારા જનરલ બોર્ડના એજન્ડામાં સામેલ ન કરવામાં આવતા હોય તો, ખરેખર તો વિપક્ષે આ બાબતે જાગૃત અને આક્રમક રણનીતિ તૈયાર કરી બોર્ડમાં શાસકોને ઘેરી લેવા જોઈએ. પરંતુ વિપક્ષની અત્યાર સુધીની ગતિવિધિઓ જોતાં એમ દેખાઈ રહ્યું છે કે, આગામી જનરલ બોર્ડની પ્રશ્નોતરી અને કાર્યવાહીઓ પણ નિરસ જ રહેશે. નાણાંકીય વર્ષના પ્રારંભે જો આવી ઉદાસીન સ્થિતિઓ જોવા મળતી હોય તો, આ શહેર વિકાસ બાબતે વાઈબ્રન્ટ ક્યારે થશે, એ સવાલ સપાટી પર આવી રહ્યો છે.
શહેરની અનેકવિધ સમસ્યાઓ અને પ્રશ્નો અંગે જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા ન તો કયારેય પદ્ધતિસર રીતે તડાફડી બોલાવવામાં આવે છે અને, બીજી તરફ શાસકપક્ષ પણ વિકાસ આયોજનો અંગે ઉદાસીન રહેતો હોય, સમગ્ર શહેરના ભાવિ વિકાસને જાણે કે બ્રેક લાગી ગઈ હોય તેવી કમનસીબ સ્થિતિઓ જોવા મળી રહી છે. આ બધી જ નુકસાની કરદાતા નગરજનોના ખાતે ઉધારાતી રહે છે, જેને કારણે આજના યુગમાં પણ આ કહેવાતું મહાનગર એક મોટાં ગામડાથી વિશેષ હોય એવું કયાંય દેખાતું નથી. આ પરંપરાઓમાં પરિવર્તન ઝંખે છે લાખો નગરજનો. શાસકોને એ ખબર છે ?? અને, વિપક્ષ પણ ચીલાચાલુ ગોકીરામાંથી બહાર ક્યારે આવશે, એ પ્રશ્ન પણ નગરજનોમાં રોષ સાથે પૂછાઈ રહ્યો છે.