Mysamachar.in-જામનગર:
જામનગર ઘણાં સમયથી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર ગાજી રહ્યું છે. રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન અને અગ્રણી બિલ્ડરોના ઉલ્લેખ સાથેની સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પરની પોસ્ટ્સ, AI જનરેટેડ વીડિયોઝ અને ખંડણીની માંગ સહિતની બાબતો લાંબા સમયથી ચર્ચાઓમાં છે. તે દરમ્યાન, અચાનક અને નાટકીય ઢબે આ કાંડનો મુખ્ય આરોપી કે જે વિદેશમાં બેઠો હોવાની વાતો થતી હતી, એ શખ્સ ‘પરચૂરણ’ કામ માટે વિદેશથી જામનગર આવ્યો ! અને, જામનગરમાં ઝડપાઈ પણ ગયો ! જેની દિવસો પછી ‘જાહેરાત’ થઈ !
રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન/ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ ઉપરાંત શહેરના અગ્રણી બિલ્ડર જમનભાઈ ફળદુ અને સ્મિત પરમાર વિરુદ્ધ વિશાલ કણસાગરા નામનો શખ્સ છેલ્લા કેટલાંક સમયથી સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર અલગ અલગ પ્રકારની પોસ્ટ અપલોડ કરતો, AI જનરેટેડ વીડિયોઝ પણ ચલાવતો અને આ શખ્સ ખંડણીની પણ માંગ કરતો, ખંડણીની રકમ પૈકી રૂ. 23 લાખની લેતીદેતી સંબંધે પણ કેટલીક વિગતો બહાર આવી, ઘણી વાતો ચર્ચાઓમાં ચાલી.
દરમ્યાન, એકદમ શાંતિથી એવી વિગતો બહાર આવી કે, આ ચકચારી મામલામાં પ્રથમ પરસોતમ પરમાર નામના શખ્સની ધરપકડ થઈ અને અદાલતે તેને જેલમાં મોકલી આપ્યો. પછી ધીમેકથી એમ પણ બહાર આવ્યું કે, વિશાલના પિતા હેમંત કણસાગરાની ધરપકડ થઈ ગઈ છે અને તેને પણ અદાલતના હુકમ અનુસાર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
ત્યારબાદ ગત્ રોજ 16મી જાન્યુઆરીએ એવી વિગતો બહાર આવી કે, નેપાળથી ‘તંત્ર’ ઓપરેટ કરતો મુખ્ય આરોપી વિશાલ ઝડપાઈ ગયો. અને આજે 17મી જાન્યુઆરીએ એવી વિગતો બહાર આવી કે, વિદેશમાં બેઠેલો મનાતો વિશાલ નામનો આ શખ્સ પોતાના પિતાના જામીનના (પરચૂરણ કામ) કામસર છેક વિદેશથી જામનગર આવ્યો અને સાયબર ક્રાઈમ પોલીસના હાથમાં ઝડપાઈ પણ ગયો.
દરમ્યાન, આજે સવારે જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આઈ.એ.ધાસુરાએ Mysamachar.in સાથેની ટેલિફોનિક વાતચીતમાં વિગતો આપી કે, વિશાલની ધરપકડ ગત્ 12મી જાન્યુઆરીએ કરી લેવામાં આવી હતી, અદાલતે તેના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ઉપરાંત ગતરાત્રીના ધ્રોલના રાજેન્દ્રસિંહ સોલંકીની પણ અટકાયત કરવામાં આવી છે. આ વ્યક્તિ વિશાલને અહીંની સ્થાનિક માહિતીઓ અને વિગતો પૂરી પાડતા હોવાનું સાઈબર ક્રાઈમ પી.આઈ.નું કહેવું છે.અને તેની વધુ પૂછપરછ ચાલી રહી છે.
અચરજની વાત એ છે કે, આ આખા મામલામાં રાજ્યના પૂર્વ કેબિનેટ પ્રધાન અને અગ્રણી બિલ્ડરોના નામો ચર્ચાઓમાં છે, આથી પોલીસ માટે આ આખું પ્રકરણ ક્રેડિટ ઉર્ફે વાહવાહી મેળવવા જેવું છે- છતાં શરૂઆતથી અત્યાર સુધી, પોલીસે બધું જ શાંતિથી પાર પાડ્યું. ક્રેડિટ મેળવવાની લાલચથી પોલીસ દૂર રહી ! પોલીસની કાર્યપધ્ધતિઓને નજીકથી જાણનારા લોકો આથી આશ્ચર્ય અનુભવી રહ્યા છે. અને હજુ આજે જામનગર પોલીસ આ આખા મામલાની ‘સત્તાવાર’ વિગતો પ્રથમ વખત જાહેર કરશે.
























































