Mysamachar.in-જામનગર:
કોઈ પણ શહેર સતત વિસ્તરી મહાનગર બનવા તરફ ગતિ કરી રહ્યું હોય ત્યારે, સામાન્ય રીતે એમ જોવા મળે કે, નવા વિકસી રહેલાં વિસ્તારોમાં પોલીસ સહિત અન્ય વિભાગોનું ખાસ ધ્યાન ન હોય અને આ કારણથી આવા વિસ્તારોમાં અનેક પ્રકારની ગોબાચારી કોઈ જ રોકટોક વગર ચાલતી રહેતી હોય છે.
જામનગર મહાનગરપાલિકાની ફૂડશાખાની કામગીરીઓમાં પણ આમ જ ચાલતું રહે છે. આ વિભાગ પણ જામનગરના અમુક વિસ્તારોમાં જ રમીએ રાખે છે. થોડાથોડા દિવસે નાગનાથ નાકા, ગ્રેઈન માર્કેટ, પટેલ કોલોની, રણજિતનગર, જનતા ફાટક, દિગ્વજય પ્લોટ અને બેડેશ્વર સહિતના કેટલાંક ગણ્યાગાંઠયા વિસ્તારોના નામો આ શાખાની કામગીરીઓમાં વારંવાર ચમકતા રહે છે. પરચૂરણ કામગીરીઓ ચાલતી રહે છે.
જામનગર મહાનગર બનવાની દોટમાં રાજકોટ રોડ તરફ, કાલાવડ નાકા બહારના હાપા યાર્ડ તરફના રોડ પર, ઠેબા ચોકડી, લાલપુર બાયપાસ તરફ, ખીજડીયા-ખંભાળીયા બાયપાસ તરફ અને ઢીંચડા સહિતના અનેક વિસ્તારોમાં ખૂબ જ ઝડપે વિકસી રહ્યું છે, આ અસંખ્ય વિસ્તારોમાં ખાણીપીણીના તમામ પદાર્થો કેવા પ્રકારની ગુણવત્તા ધરાવે છે, લાખો લોકોના આંતરડામાં શું ઠલવાઈ રહ્યું છે- વગેરેની ચકાસણીઓ પણ ફૂડશાખાએ કરવી જોઈએ એવી લોકલાગણી છે. કારણ કે, આ બધાં જ વિસ્તારોમાં હજારો ધંધાર્થીઓ છે અને લાખો લોકો વસવાટ કરી રહ્યા છે, નવા નવા રહેણાંક વિસ્તારો નિર્માણ પામી રહ્યા છે ત્યારે ફૂડશાખાએ મોટા મેદાનમાં ‘રમી’ લાખો લોકોના આરોગ્યની તકેદારીઓ દાખવવી જોઈએ અને લોકોની આરોગ્ય સલામતી સુનિશ્ચિત કરવી જોઈએ એમ ઘણાં નગરજનો માની રહ્યા છે.






















































