Mysamachar.in-જામનગર
જામનગર જિલ્લો આમ સરેરાશ જોઈએ તો વરસાદની ઘટવાળો જિલ્લો નથી. પાછલાં 30 વર્ષની વાત કરીએ તો આપણાં જિલ્લામાં દર વર્ષે સરેરાશ 700 મિમી ( 28 ઈંચ જેટલો) વરસાદ નોંધાય છે. પરંતુ આ વર્ષે જિલ્લામાં બે તાલુકાઓ જામનગર અને લાલપુર એવાં છે જ્યાં સરેરાશની સરખામણીમાં આ વર્ષે વરસાદની હજુ ઘટ છે. ગત્ વર્ષે પણ જામનગર તાલુકાએ વરસાદની બહુ રાહ જોવી પડી હતી. છેલ્લે છેલ્લે વરસાદ નોંધાયો હતો. આ વર્ષે જિલ્લામાં સૌથી વધુ વરસાદ જોડિયા તાલુકામાં નોંધાયો છે.
જામનગર તાલુકાની પાછલાં 30 વર્ષની સરેરાશ 772 મિમી વરસાદની છે પરંતુ આ વર્ષે આજ સુધીમાં 684 મિમી વરસાદ નોંધાયો છે, જે 11.40 ટકા ઘટ દર્શાવે છે. જામનગર માફ્ક લાલપુર પંથકમાં પણ વરસાદની ઘટ છે. આ તાલુકામાં સરેરાશની સરખામણીમાં 71.26 ટકા વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, આ વર્ષે કાલાવડ તાલુકામાં સરેરાશ 672 મિમીની સરખામણીએ 704 મિમી વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. આ તાલુકામાં 104.76 ટકા જેટલો વરસાદ પડી ચૂકયો છે. જામજોધપુર તાલુકામાં સરેરાશ 737 મિમી વરસાદની સરખામણીમાં આ વર્ષે 750 મિમી વરસાદ નોંધાયો છે. જે 101.76 ટકા વરસાદ પડયાનું દર્શાવે છે. જોડિયા પંથકમાં પાછલાં 30 વર્ષમાં સરેરાશ 659 મિમી વરસાદ નોંધાયો છે જ્યારે આ વર્ષે મેઘરાજાએ આ તાલુકામાં ખૂબ મહેર વરસાવી છે. આ વર્ષે 945 મિમી વરસાદ નોંધાયો છે. જે 143.10 વરસાદ કહી શકાય. ધ્રોલ તાલુકાની વરસાદની સરેરાશ 620 મિમી છે, જેની સરખામણીએ આ વર્ષે 115.48 ટકા પડ્યો છે. આ વર્ષે ધ્રોલ તાલુકામાં 716 મિમી વરસાદ નોંધાયો છે. અત્રે નોંધનીય છે કે, જિલ્લા કંટ્રોલ રૂમનાં આંકડા મુજબ – શુક્રવારે સમગ્ર જિલ્લામાં મેઘરાજાએ સંપૂર્ણ હોલી-ડે એટલે કે વિરામ રાખ્યો હતો.