Mysamachar.in-જામનગર:
જામનગર મેગા સિટી બનવા તરફ ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે, જેને કારણે શહેરમાં એક પછી એક નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે અને આગામી સમયમાં વિકાસ માટે આ પ્રકારના પ્રોજેક્ટસની સંખ્યા અને તેની રકમોનો કુલ આંકડો ગંજાવર બનવા તરફ જઈ રહ્યો છે, તેથી ઘણાંની દાઢ સળકી રહી છે અને ઘણાં લોકો તો એવા પણ છે જેઓ ઘી લગાડેલી પૂરણપોળી જમી રહ્યા છે પરંતુ તેઓની જિદ એવી છે કે, મારી-અમારી પૂરણપોળી પર હજુ વધુ ઘી લગાવવામાં આવે !! એક ઠેકેદારે નામ ના આપવાની શરતે વિગતો આપતા વધુમાં જણાવ્યું છે કે આ માનસિકતાનો સામનો કરી રહેલાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ- આ બાબતથી થાકી ગયા છે. કારણ કે, કોર્પોરેશનમાં ટકાવારીનો ખેલ બહુ મોટો છે, જે વિકાસકામોની કવોલિટીને પણ માઠી અસરો પહોંચાડી શકે છે. ટકાવારીના દૂષણને પરિણામે ભ્રષ્ટાચાર બેહદ બનવા તરફ જઈ રહ્યો છે !
કોર્પોરેશન કોઈ પણ મોટું વિકાસકામ હાથ ધરે એટલે સૌ પહેલાં કોન્ટ્રાક્ટરની પસંદગી કરવા કામની કુલ કિંમતને નીચી રાખવાનો પ્રયાસ થાય. કોન્ટ્રાક્ટર વચ્ચે ઓછા ભાવે કામ મેળવવા સ્પર્ધા થાય. પછી કોન્ટ્રાક્ટરને કામ મળે, જેમાં ઓફ ધ રેકર્ડ ટકાવારી નક્કી થયેલી હોય, એટલે કોન્ટ્રાક્ટરે કામની કુલ રકમ પૈકીની અમુક ટકા રકમ સૌને સાચવવા કામના બિલોમાંથી અલગ રાખવી પડે. અને લાગતાવળગતાઓને ધરવી પડે, એટલાં પ્રમાણમાં કામની કવોલિટી ડાઉન થાય !
હાલ કોર્પોરેશનમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે, ટકાવારી વધુ મેળવવા કેટલાક ચોક્કસ ચુંટાયેલ દ્વારા તથા ચોક્કસ જૂથો દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સીઓ અને અધિકારીઓ પર માનસિક સિતમ ગુજારવામાં આવી રહ્યો હોવાનું અત્યંત આધારભૂત સૂત્ર જણાવે છે. જે લોકો આવો ત્રાસ ગુજારી રહ્યા છે એમાં શાસક-વિપક્ષ જેવો કોઈ ભેદભાવ નથી હોતો, સૌ સરખાં !
કોર્પોરેશનમાં અમુક જૂથ તો એવા છે જેઓનો આગ્રહ એટલે કે જિદ એવી હોય છે કે, ફલાણા જૂથ કરતાં અમારાં જૂથને વધુ ટકાવારી મળવી જોઈએ !! જો કે કેટલાંક લોકો સક્ષમ હોવા છતાં આવી ઉઘરાણાંની બાબતોમાં પડતાં નથી, કોઈને પરેશાન કરતાં નથી. જો કે આવા લોકોની સંખ્યા સાવ જૂજ છે, બાકીના લોકો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર ઘોડોઘોડો થઈ ટકાવારી નામની ખંડણી ઉઘરાવી રહ્યા છે જેની અસરો કામોની કવોલિટી પર પણ પડતી હોય છે ! અને આવી પઠાણી ઉઘરાણીઓને કારણે કેટલાંક કોન્ટ્રાક્ટર એમ પણ કહે છે, હવે કોર્પોરેશનના નવા કામોમાં રસ નથી લેવો. અને કેટલાંક અધિકારીઓ પણ આ પ્રકારના વ્યવહારોથી કંટાળી નોકરીમાંથી રાજીનામા આપવા પણ વિચારી રહ્યા છે!! એક તો કોર્પોરેશનમાં અધિકારીઓની કાયમી અછત રહે છે એમાં વળી આ બબાલ !!
કેટલાંક લોકોને તો વર્ષના 365 દિવસ ઘી લગાડેલી પૂરણપોળી ખાવાની આદત પડી ગઈ હોય, આ પ્રકારના ઉઘરાણાથી કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ત્રાસી ગયા હોવાનું જાણવા મળે છે. કોન્ટ્રાક્ટરો કોર્પોરેશનના કામો હાથમાં લેવાની ના પાડી દે, એ પહેલાં કોઈએ આવા ઉઘરાણાઓ પર બ્રેક લગાવવી પડશે. શહેરના હિતોની જાળવણી માટે આ બ્રેક આવશ્યક બની ગઈ છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ ટકાવારી મુદ્દે જે માનસિક યાતનાઓ અને તણાવ વેઠી રહ્યા છે, તેની વિગતો છેક કમિશનર સુધી પહોંચી હોવાનું પણ જાણવા મળે છે ! નવાજૂની થશે ?! કે બધું આમ જ ચાલતું રહેશે ?!





