Mysamachar.in-જામનગર:
જ્યારે પણ કોઈ અણધારી આફત આવી પડે ત્યારે લોકોની વ્હારે કુદરતી આપદા મિત્રો તત્પર રહે છે. જામનગર શહેરમાં ભારે વરસાદના પરિણામે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોની બચાવ કામગીરી માટે જામનગર ફાયર વિભાગની 10 ટીમ દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં અને રાજકોટથી આવેલ એનડીઆરએફ ટીમ દ્વારા લોકોને પાણીમાંથી બહાર કાઢી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
જામનગર શહેરમાં ફાયર અને એનડીઆરએફની ટીમ દ્વારા 70 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે અને હજુ પણ કામગીરી ચાલુ છે. વરસાદના પરિણામે જામનગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને કામ વગર બહાર ન નીકળવાની સૂચના તેમજ લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. અને જરૂર જણાયે કંટ્રોલરૂમનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
