Mysamachar.in-જામનગરઃ
પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત જરૂરિયાત વર્ગને સપનાનું ઘર બાંધી આપવામાં આવે છે, જેનું સંચાલન મહાનગર પાલિકા હસ્તક હોય છે, જો કે સરકારના મસમોટા પ્રોજેક્ટમાં હળાહળ ગેરરીતી અને જાળવળી અંગે મનપા દ્વારા બેદરકારી દાખવ્યાની ફરિયાદો ઉઠવા પામી છે, જામનગરની ભાગોળે હાપામાં આવાસમાં ગટર ઉભરાવવી, કેમિકલ યુક્ત પાણી સહિતના પ્રશ્નોને કારણે પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. એક તરફ શહેરમાં રોગચાળાનો ભરડો છે, તો બીજી બાજુ ગેરરીતી અને બહેરા થયેલા કોર્પોરેશનના અધિકારીઓને કારણે સપનાના ઘરમાં રહેવા આવેલા લોકો પર બીમારીનો ભય ફેલાયો છે. ટકનું કમાઇ પેટીયું રળતા આ લોકોએ કોર્પોરેશનના અનેક ધક્કા ખાધા તેમ છતા આજદીન સુધી તેમની સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી.
ગત માર્ચ મહિનામાં લોકાર્પણ થયેલા આવાસમાં ગેરરીતી ઉડીને આંખે વળગી છે. ટકનું ખાઇ રળતા રહેવાસીઓ દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી છતા સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે 256 ફ્લેટ ધરાવતા રંગમતી ભવન આવાસમાં લાઇટ ક્નેક્શનના વાંકે પાણીનો બોર બંધ છે, તો 300 ફૂટના બોરમાં માત્ર 80 ફૂટ જ પાઇપ નાખવામાં આવ્યો છે. અગાસી પર પાણીનો ટાંકો લીકેજ છે જેના કારણે પાણી લિફ્ટમાં ઉતરે છે, જેથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાવાનો ભય ફેલાયેલો છે. તો સૌથી મોટો પ્રશ્ન ગટરની કુંડીઓ સાફ ન થતી હોવાને કારણે ગટરો ઉભરાઇને ગંદકી ફેલાઇ છે અને મચ્છરોનો ઉપદ્રવ થયો છે. તમામ પ્રશ્નો અંગે કોર્પોરેશનના કમિશનર સુધી રહેવાસીઓએ રજૂઆતો કરી તેમ છતા કોઇ પગલા લેવામાં આવ્યા નથી.
હાપા GIDCમાં બનેલા નવા પ્રધાનમંત્રી આવાસમાં રંગમતી ભવનમાં માત્ર બે જ મહિનામાં ગટરો ઉભરાઇ જતા ગંદકીના થર જામ્યા છે. તો જીઆઇડીસી વિસ્તાર હોવાને કારણે કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા પાણીમાં કેમિકલ ભળ્યું છે જેના કારણે દૂષિત પાણી મળી રહ્યું છે. અહીં રહેતા લોકોનું કહેવું છે કે જાણે કે ગરીબોનો તિરસ્કાર કરાયો હોય તેમ વિસ્તારમાં સ્વચ્છતા, સ્ટ્રીટ લાઇટની કોઇ સુવિધા જ નથી. ગમે તે ઘડીએ ગંદકીને કારણે બીમારીમાં સપડાઇને અમારે હોસ્પિટલમાં દાખલ થવું પડશે તેવો ભય સતત સતાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ બનેલા આવાસમાં ગેરરીતીની ફરિયાદોથી અનેક સવાલો ઉઠ્યા છે. જો સમયસર સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવશે તો આ પ્રોજેક્ટ ખરા અર્થમાં સફળ બનશે.