Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં અવારનવાર કોઈ ને કોઈ જગ્યાએ બાળકો ખુલ્લા બોરવેલમાં ખાબકે છે અને કલાકો સુધી તંત્રોની જહેમત બાદ જયારે આવા બોરવેલમાં પડેલ બાળકને બહાર કાઢવામાં આવે તો તે મોતને ભેટે છે, આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તે માટે રાજ્યક્ક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ શિક્ષકોને એક પત્ર લખ્યો છે. રાજ્યમાં ખુલ્લા બોરને બંધ કરવા શિક્ષણમંત્રીએ શિક્ષકોને અપીલ કરી છે. રાજ્યનાં શિક્ષણમંત્રી દ્વારા શિક્ષકોને સબંધોની પત્ર પણ લખ્યો છે. જેમાં શિક્ષણમંત્રી દ્વારા બિનઉપયોગી ખુલ્લા બોર બંધ કરવાનું કામ ગામેગામ ગુરૂજનો ઉપાડે. તેમજ એક અઠવાડિયા સુધી સંવેદનાં સાથે આ કામ કરે તેવી અપીલ કરી છે.
આ બાબતે વધુમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શિક્ષકોને અપીલ કરી હતી કે, દિવસ-રાત કાર્યશીલ તંત્રની સજાગતા છતાં ખુલ્લા બોરવેલમાં બાળક પડી જવાની ઘટનાનાં પગલે આપ સૌ ગુરુજનોને મારી વિનંતિ છે કે, રાજયના અઢાર હજાર ગામડાઓ, એની શાળાઓ, કોલેજો, ગામના પરિસર કે ખુલ્લી જગ્યાઓમાં બિનઉપયોગી આવા બોર ખોળી કાઢી, એને બંધ કરવાનું આ કામ સૌ ગુરુજનો ઉપાડી લ્યો. એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ આપ કરો એવી મારી સૌને લાગણીભરી વિનંતિ છે. જે ગુરુજનો આવા સેવાના વ્યક્તિગત કામ કરશે, તેઓને હું વંદન સાથે અભિનંદન પત્ર મોકલીશ તથા ટેલીફોનિક કે રૂબરૂ અભિનંદન પણ પાઠવીશ. આપને આ સામાન્ય લાગતા, પણ બહુ મોટાં પુણ્યકાર્ય માટે, હું આજ્ઞા સ્વરૂપે નહી, પણ એક માનવીય અને સંવેદનાપૂર્ણ સેવાયજ્ઞ કરવા માટે આગ્રહપૂર્વક અનુરોધ કરી રહ્યો હોવાનું પણ પત્રના અંતમ જણાવ્યું છે.