Mysamachar.in:જામનગર
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 12 ના કોંગ્રેસમાંથી ચુંટાયેલ નગરસેવક અને વિપક્ષના પૂર્વ નેતા અસલમ ખિલજી સહિતના શખ્સો વિરુદ્ધ ગુનાહિત કાવતરું ઘડવાનો અને એક યુવાનની હત્યાનો પ્રયાસ કર્યાનો ગુનો દાખલ થતાં સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઇ છે. નોંધનીય છે કે, તાજેતરમાં બે દિવસ પહેલાં પણ આ નગરસેવક વિરુદ્ધ એક વેપારીને ધમકી આપ્યાના મામલે એક ફરિયાદ દાખલ થઈ હતી. વધુ એક ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી છે. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદી અબુસુફિયાન રહેમાનભાઈ કુરેશીએ 15મી સપ્ટેમ્બરે રાત્રે પોણાં અગિયાર વાગ્યે આ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપીઓ તરીકે અસલમ કાદર શેખ, આફતાબ ઉર્ફે અપુ વાઘેર, ગની બસર વાઘેર, ગની બસરનો ભાણેજ/ભત્રીજો, અસલમ કરીમ ખિલજી તથા બે અજાણ્યા શખ્સોના નામો લખાવવામાં આવ્યા છે.
ફરિયાદીએ પોલીસમાં જાહેર કર્યું છે કે, ગુરુવારે રાત્રે 02/30 વાગ્યાની આસપાસ મહાપ્રભુજી બેઠક તથા રાધિકા સ્કૂલ વચ્ચેના વિસ્તારમાં કાલાવડ રોડ પર હત્યા પ્રયાસનો આ બનાવ બન્યો હતો, જેનો મુખ્ય આરોપી અસલમ કરીમ ખિલજી છે. ફરિયાદી સુભાષ શાક માર્કેટ નજીક રહે છે અને જુનેદભાઈ નામના વેપારીની કપડાંની દુકાનમાં નોકરી કરે છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, જુનેદભાઈ તથા અસલમ કરીમ ખિલજી વચ્ચે કોઈ રાજકીય વાંધો હોય, બે મહિના પહેલાં પણ ફરિયાદી તથા અસલમ ખિલજી વચ્ચે તકરાર થઈ હતી. ત્યારબાદ જુનેદભાઈના પત્ની કાશ્મીરાબહેન સાથે પણ અસલમ ખિલજીને તકરાર થઈ હતી. જે બાબતે ફરિયાદીએ ફોન મારફતે અસલમ ખિલજીને પૂછયું હતું ત્યારે આરોપીએ ફરિયાદીને મારી નાંખવાની ધમકી આપી હતી. અને તે પછી, આરોપીએ ફરિયાદી પાછળ માણસો ગોઠવી દીધાં હતાં અને ફરિયાદીને મારી નાંખવાનું કાવતરું રચ્યુ હતું.
ત્યારબાદ ઉપરોકત ગુના બનાવ સ્થળ પાસેથી ફરિયાદી અબુસુફિયાન પોતાના મિત્ર સાથે પસાર થઈ રહ્યા હતાં એ સમયે, ગુનાહિત કાવતરાના મુખ્ય આરોપી અસલમ ખિલજીના કાવતરાના ભાગરૂપે તેના સાગરિતો અસલમ કાદર શેખ, આફતાબ ઉર્ફે અપુ વાઘેર, ગની બસર તથા ગની બસરનો ભાણેજ અથવા ભત્રીજો તથા બે અજાણ્યા શખ્સો ઉપરોકત સ્થળે ધસી આવ્યા હતાં.
ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે, પોતે પોતાના મિત્ર મકદુમ ઈકબાલ સધવાન સાથે ઉપરોકત સ્થળ નજીકથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે આ આરોપીઓએ ફરિયાદીના સ્કૂટરને પાછળથી ટક્કર મારી ફરિયાદી તથા સાહેદને નીચે પાડી દીધાં હતાં. બાદમાં ગની બસરના ભાણેજ અથવા ભત્રીજાએ ફરિયાદીને પકડી રાખ્યો હતો અને બધાં આરોપીઓએ ગાળો આપી હતી, ત્યારબાદ આરોપી આફતાબે ફરિયાદીના કપાળ પર તલવારનો ઘા ઝીંકી ગંભીર અને જીવલેણ ઈજા પહોંચાડી હતી. આરોપીઓ અસલમ કાદર અને ગની બસરએ લોખંડના પાઇપ વડે ફરિયાદીને માર મારી જમણો હાથ તથા પગના બંને ગોઠણની ઢાંકણીઓમાં ફ્રેક્ચરની ઈજાઓ પહોંચાડી હતી. બાદમાં બે અજાણ્યા શખ્સો ફરિયાદીને મારવા આવ્યા ત્યારે ફરિયાદી જીવ બચાવવા ભાગી છૂટ્યા હતાં.
પોલીસે અસલમ ખિલજી સહિતના આ તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમો 307, 325, 323, 143, 147, 148, 149, 279, 120(b)અને જીપી એકટની કલમ 135(1) મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ તથા કાર્યવાહી હાથ ધરી છે.