Mysamachar.in-જામનગર:
ચોમાસાની ઋતુમાં તબિયત સાચવવી સૌનું કર્તવ્ય છે. એમાં પણ જામનગર શહેરમાં કોલેરા અને જિલ્લામાં ચાંદીપુરાના દર્દીઓ મળી રહ્યા હોય, સૌએ સાવચેતી રાખવી પડશે અને આગામી સમયમાં તહેવારો પણ શરૂ થઈ રહ્યા હોય, આપણે આંતરડામાં પાણી સહિતના જે કાંઈ પણ પદાર્થ ઠાલવીએ તેની કવોલિટીની દરકાર સૌએ લેવી પડે.
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, જામનગર શહેરમાં કોલેરાના વધુ 2 કેસ મળી આવતાં અત્યાર સુધીમાં કોલેરાના કુલ કેસની સંખ્યા 20ના આંકડે પહોંચી છે. આ આંકડો જાન્યુઆરીથી અત્યાર સુધીનો એટલે કે 2024ના વર્ષનો આંકડો છે. જીજી હોસ્પિટલના જણાવ્યા અનુસાર, ચાંદીપુરા વાયરસના કુલ 4 કેસની હાલ સારવાર ચાલી રહી છે. જે પૈકી 2 બાળદર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને અન્ય 2 દર્દીઓના રિપોર્ટ હવે આવશે. જો કે હાલ ચારેય દર્દીઓ વેન્ટિલેટર પર છે.
જીજી હોસ્પિટલ સત્તાવાળાઓએ આજે જાહેર કર્યું છે કે, લાલપુરના 11 વર્ષના અને જામનગરના ગુલાબનગરના 6 વર્ષના બંને બાળકોને શંકાસ્પદ ચાંદીપુરા કેસ તરીકે વેન્ટિલેટર પર રાખી, ગાઈડલાઈન મુજબની સારવાર આપવામાં આવી રહી હતી પરંતુ સારવાર દરમિયાન આ બંને બાળકોના મોત નીપજયા છે. અન્ય બે બાળકોને હાલ સારવાર આપવામાં આવી રહી છે. જે બે બાળકોના મોત થયા છે, એમના રિપોર્ટ હજુ હવે આવશે.
ખાસ કરીને આ ઋતુમાં ઉકાળેલું પાણી પીવું અને બરફગોલા તથા શેરડીનો બરફવાળો રસ જેવી ચીજોથી દૂર રહી શકાય અને ખુલ્લામાં રાખવામાં આવતાં ખાદ્ય પદાર્થોથી દૂર રહેવું જરૂરી બની જતું હોય છે. કોર્પોરેશન પણ શહેરમાં લોકોના ઘરો સુધી પહોંચી રહેલાં પીવાના પાણીની ગુણવત્તા અંગે વધુ સતર્ક રહે એ ઈચ્છનીય લેખાય. કારણ કે, આ સિઝનમાં જલભરાવ જેવા કારણોસર પીવાના પાણીની પાઈપલાઈનમાં કોઈ પણ પ્રકારની ગંદકી કે ભરાયેલું પાણી અથવા ગટરના પાણી ભળી શકે છે.