Mysamachar.in-જામનગર:
એલોપથીની ખાનગી મેડિકલ કોલેજો અને યુનિ. માફક રાજ્યમાં આયુર્વેદ ક્ષેત્રમાં પણ ઘણી અનિયમિતતાઓ, ગેરરીતિઓ વગેરે ચાલતું રહે છે. તાજેતરમાં પ્રથમ વખત આ બાબતે કડક પગલાંઓ લેવામાં આવ્યા છે. રાજ્યભરમાં 9 આયુર્વેદ કોલેજ પર તવાઈ ઉતરી, જે પૈકી એક કોલેજની માન્યતા રદ્દ કરવામાં આવી.
સમગ્ર રાજ્યમાં ચાલતી આયુર્વેદ કોલેજો પર દેખરેખ રાખવાની જવાબદારીઓ જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિ.ની છે. અને, આ તમામ કોલેજોને અનિયમિતતાઓ કે ગેરરીતિઓ સંબંધે દંડવાની સત્તા પણ આ યુનિ. ધરાવે છે. આ બાબતે ગુજરાત આયુર્વેદ યુનિ.ના કુલપતિ ડો. મુકુલ પટેલ દ્વારા કેટલીક વિગતો જાહેર કરવામાં આવી છે.
ડો. પટેલના જણાવ્યા અનુસાર, દરેક આયુર્વેદ કોલેજ પોતાના છાત્રોને યોગ્ય તબીબી શિક્ષણ પૂરૂં પાડી શકે તે માટે આ કોલેજસંકુલોમાં આયુર્વેદ OPD-IPD વ્યવસ્થાઓ સહિતની કેટલીક જરૂરી બાબતો ઉપલબ્ધ હોવી ફરજિયાત છે. તાજેતરમાં આ અંગે ચેકિંગ કરવામાં આવેલું અને કસૂરવાર કોલેજો વિરુદ્ધ કાર્યવાહીઓ થઈ છે.
આયુર્વેદ યુનિ.ના જણાવ્યા અનુસાર, કોયડમની ધનવંતરિ આયુર્વેદ કોલેજનું વર્ષ 2025-26 માટેનું એફિલિએશન રદ્દ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગર, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગર સહિતની કુલ 8 આયુર્વેદ કોલેજમાં છાત્રોને યોગ્ય તબીબી શિક્ષણ ઉપલબ્ધ થઈ શકે તે માટે આ આઠ કોલેજમાં છાત્રો માટેની બેઠકોમાં સરેરાશ 5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.