Mysamachar.in-જામનગર:
જામનગરમાં રણજિતસાગર રોડની ડાબી બાજુએ, નદીના સામે કાંઠે આવેલી કેટલીક ‘લગડી’ જમીનોનો મામલો લાંબા સમયથી જાહેર વિવાદમાં તથા કાનૂની દાવપેચમાં ફસાયેલો છે. આ ચકચારી મામલામાં તત્કાલીન પ્રાંત અધિકારીએ લીધેલાં નિર્ણયોને, હાલ કલેક્ટરે ‘ઉલટાવી’ નાંખ્યા છે અને હવે આ બધાં જ મામલાઓની ફેરવિચારણા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, થોડાં મહિનાઓ અગાઉ જ આ વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાએ નવી TP પણ ‘બેસાડેલી’ છે. આ મામલાઓ પર લાંબા સમયથી સૌની નજર છે કારણ કે, આમાં સંકળાયેલા નામો પણ ‘મોટા’ છે.
જામનગરના નગરસીમ રેવન્યુ સર્વે નંબર 788/1, 977/1, 1028/1 અને 1027/1 તથા 1027/2 પૈકીની ખેતીની આ જમીનો કેટલાંક સમયથી વિવાદી બની છે. કારણ કે આ જમીનોના જેતે સમયના સહ હિસ્સેદાર દ્વારા આ જમીનોના વેચાણ દસ્તાવેજ સામે વાંધાઓ ઉઠાવવામા આવ્યા છે. અને નોંધપાત્ર બાબત એ પણ છે કે, આ આખું પ્રકરણ અદાલતમાં પણ વિચારાધીન છે અને જમીન મહેસૂલ વિભાગ (કલેક્ટર કચેરી)માં પણ ચાલી રહ્યું છે.
આ બધી જમીનોમાં કુલ સંયુક્ત 23 ખાતેદારો છે, જે પૈકી 13 સહ હિસ્સેદારો પાસેથી કેટલાંક લોકોએ જમીનોના અવિભાજ્ય હિસ્સા વેચાણ દસ્તાવેજથી ખરીદ કર્યા છે. આ દસ્તાવેજના આધારે રેવન્યુ રેકર્ડમાં ખરીદનારની નોંધો પ્રાંત અધિકારીએ મંજૂર કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, એ સમયે આ જમીનોના સહહિસ્સેદારોએ આ બાબતે વાંધાતકરાર ઉઠાવેલા હતાં, છતાં પ્રાંત અધિકારીએ આ બધી જ રેવન્યુ રેકર્ડ નોંધોને મંજૂરીઓ આપી હતી અને હવે એવું જાહેર કરવામાં આવ્યું કે, આ ‘ભૂલો’ હતી ! (રેકર્ડ પરના કામોમાં ભૂલો ચાલે ?! હોલસેલમાં ભૂલો કરનારનો આશય શું હોય ? અને, આવી ભૂલોની કોઈ સજાઓ ન હોય ?!- શહેરમાં ચાલતી ચર્ચાઓ).
આ જમીનોમાં જેમના નામોથી વેચાણ દસ્તાવેજો બન્યા છે તે નામોમાં જમનભાઈ શામજીભાઈ ફળદુ- હરદાસભાઈ કરશનભાઈ ખવા- ગોરધનભાઈ મનજીભાઈ ભંડેરી તથા લાભુબેન જમનભાઈ ફળદુ, વગેરે નામોનો સમાવેશ થાય છે. અહીં એ પણ નોંધનીય છે કે, આ બધી નોંધ પ્રાંત અધિકારીએ મંજૂર કરી ત્યારબાદ વાંધેદાર મધુબેન નાથાભાઈ નકુમ દ્વારા કલેક્ટર સમક્ષ આ બધાં વેચાણ દસ્તાવેજો મામલે અપીલ દાખલ થઈ હતી.
વાંધેદારના વકીલ દ્વારા ઉઠાવવામાં આવેલાં મુદ્દાઓ
આ ચાર પૈકી એક પણ કેસમાં આ અવિભાજ્ય હિસ્સાની હદદિશાઓ દર્શાવવામાં આવી નથી. વેચાણ દસ્તાવેજોમાં આ ખેતીની જમીનો ‘અમો વેચાણ આપનારની સ્વતંત્ર માલિકીની અને કબજા-ભોગવટાની છે’ તેવું જે લખવામા આવ્યું છે એ ગેરમાર્ગે દોરનારૂ છે. કારણ કે જમીનોના કુલ 23 હિસ્સેદારો છે, જેથી વેચાણ આપનાર 13 હિસ્સેદારોની આ જમીનો સ્વતંત્ર માલિકીની અને કબજા ભોગવટાની લેખી શકાય નહીં, આ જમીનો સંયુક્ત માલિકીની લેખાય. આ જમીનોમાં વેચાણ આપનાર સહ હિસ્સેદારોને જેટલાં હક્ક અધિકારો હોય, એટલાં જ હક્ક અધિકારો ખરીદનારને પ્રાપ્ત થઈ શકે.
આ હકીકતો ધ્યાનમાં લીધાં વગર….
આ હકીકતો ધ્યાનમાં લીધાં વગર વાંધેદાર કે અન્ય સહમાલિકોની સંમતિ વગર કરવામાં આવેલા વેચાણ દસ્તાવેજ વ્યર્થ ઠરાવવા અંગે પણ વાંધેદાર દ્વારા સિવિલ કોર્ટમાં દાવો દાખલ થયેલો જ છે, જે હજુ પેન્ડિંગ છે છતાં પ્રાંત અધિકારીએ આ ચારેય નોંધ રેવન્ય રેકર્ડ પર પ્રમાણિત કરી. આ તમામ હકીકતો અને દલીલો ધ્યાને લઈ કલેક્ટર દ્વારા વાંધેદારની અપીલ અંશત: મંજૂર કરવામાં આવી છે. પ્રાંત અધિકારીએ અગાઉ કરેલા આ બધાં હુકમ રદ્દ કરી નાંખ્યા છે તથા આ મામલાઓ ફેર નિર્ણય કરવા માટે રિમાન્ડ કરવા હુકમો કર્યા છે. આ ચારેય અપીલોમાં વિવાદી મધુબેન નાથાભાઈ નકુમ તરફે ચંદ્રેશ એલ.મોતા તથા અરૂણ એલ.ચોપડા વકીલ તરીકે રોકાયા હતાં.
























































