Mysamachar.in-અમદાવાદ:
આજના સમયમાં યેનકેન પ્રકારે કેટલાય યુવકો એવા હોય છે જેના લગ્ન મોટી ઉમર સુધી થતા નથી અને જો થયા હોય તો કોઈ ને કોઈ કારણોસર લગ્ન વિચ્છેદ થયા બાદ તેવો અન્ય પાત્રો શોધતા હોય છે, પણ આવા પાત્રોની શોધમાં ચેતવા જેવું એટલા માટે છે કે કેટલાક દલાલો, કેટલાક મેરેજ બ્યુરો અને કેટલાક એવા વચેટિયા સહિતની ટોળકીઓ આવા લગ્ન કરવા માગતા યુવકોને તેની જાળમાં ફસાવી અને પૈસા લઈને દુલ્હનો સુહાગરાત શરુ થાય તે પહેલા જ નાશી જાય છે, જામનગરના એક જ ગામના બે યુવકો આવી જાળમાં ફસાયા બાદ હવે પસ્તાવાનો પાર નથી અને મામલો પોલીસ મથક સુધી પહોચ્યો છે,
આ અંગે પોલીસ સુત્રો તરફથી મળતી વિગતો એવી છે કે જામનગરમાં બે ખેડૂત મિત્રો જગદીશ સંઘાણી અને દીપકભાઈ લૂંટેરી દુલહનનો શિકાર બન્યા. આ બંન્ને મિત્રોને લગ્ન કરવા હતા જેથી કરજણની મેરેજ બ્યુરો ચલાવતી સરોજબેનનો સંપર્ક ર્ક્યો હતો. અને સરોજબને રામોલમાં ગણેશ મેરેજ બ્યુરો ચલાવતા ધવલભાઈનો સંપર્ક કરાવ્યો હતો. ધવલએ યુવતીને જોવા બંને મિત્રો જગદીશ અને દીપકને અમદાવાદ ખાતે બોલાવ્યા હતા. આ બંન્ને મિત્રો અને તેમના પરિવાર રામોલ નજીક પહોંચ્યો હતો.
લગ્ન કરવા એક યુવતીના 3 લાખની માંગ કરી હતી. પરંતુ વાતચીત બાદ 1.20 લાખમાં નક્કી થયું. રાત્રે 9 વાગે મીરજાપુર કોર્ટની સામે વકીલની ઓફિસમાં જગદીશના કૈલાસ નામની યુવતી અને દીપકને સીમા નામની યુવતી સાથે લગ્ન કર્યા. અને જામનગર જવા રવાના થયા. લગ્નના દોઢ કલાક બાદ ઉજાલા સર્કલ નજીક એક હોટેલમાં નવવધૂ જમવા બેઠા હતા. ત્યારે બંને લૂંટરી દુલ્હન બાથરૂમ જવાનું કહીને તેના અન્ય સાગરીતોની ગાડીમાં ફરાર થઇ ગઇ હતી.
આમ કોઈ પર વિશ્વાસ કરીને ખેડૂત મિત્રોને લગ્ન કરવા ભારે પડ્યા. લૂંટરી દુલ્હન અને તેના માણસો રૂ 2.45 લાખની છેતરપીંડી કરીને ફરાર થઇ ગયા હતા. દોઢ કલાકના લગ્ન જીવન અને લૂંટરી દુલહન દ્વારા છેતરપીંડીને લઈને રામોલ પોલીસે ગણેશ મેરેજ બ્યુરો ના ધવલભાઇ, કરજણ મેરેજ બ્યુરોની સરોજબેન, લુંટેરી દુલ્હન કૈલાસ અને સીમા.. તેમજ બ્યુરોમાં કામ કરતા કિરણબેન, અસ્મિતાબેન, ધવલ અને શંકર સહિત 8 લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસે આરોપીના ફોટો મેળવીને જુદી જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી છે.