Mysamachar.in-જામનગર:
રાજયની વડી અદાલતને પણ ખ્યાલ છે કે, રખડતાં પશુઓની સમસ્યા સમગ્ર રાજ્યમાં છે. તંત્રો કાગળ પર કામગીરી કરી રહ્યા છે. જામનગરમાં જીજી હોસ્પિટલમાં અવારનવાર, સિક્યોરિટી પાછળ લાખોનો ખર્ચ છતાં, પશુઓ ઘૂસી જાય છે ! દર્દીઓ તથા પરિવારજનો ફફડતા હોય છે. હવે આવું દ્રશ્ય જામનગરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન પર પણ જોવા મળ્યું ! સામાન્ય રીતે રેલવે સ્ટેશન પર ‘ જામનગર માં આપનું સ્વાગત છે ‘ એવું બોર્ડ હોય પરંતુ રેલવે સત્તાવાળાઓએ હવે ‘ પ્લેટફોર્મ પર પ્રવાસીઓ અને ઢોરનું પણ સ્વાગત છે ‘ એવાં બોર્ડ લગાવવા પડશે !
પ્લેટફોર્મ પર પોલીસ ચોકી બાજુમાં પશુ ડસ્ટબિન બહાર પડેલો કચરો આરોગી રહ્યા છે ! અને, પશુની પાછળ ટ્રેન પણ દ્રશ્યમાન છે ! ટ્રેનના આગમન સમયે ધારો કે, આ પશુ ભડકે, નાસભાગ મચી જાય, કલ્પના કરો કેવડી દુર્ઘટના સર્જાઈ શકે ?! પશુઓએ શહેરનાં માર્ગો અને હાઈવે પર કબજો જમાવ્યો પછી હવે વારો રેલવે સ્ટેશનનો ચડ્યો ! એસટી ડેપોમાં પણ પશુઓ જોવાં મળે છે. મહાનગર સેવા સદનમાં પણ ભૂતકાળમાં પશુ જોવા મળેલાં. હવે કયા સરકારી ભવનનો વારો ?! એવો પ્રશ્ન નગરજનો મજાકમાં એકમેકને પૂછી રહ્યા છે.