Mysamachar.in-
લાંચનું નાણું ખૂબ જ સુંદર અને લલચામણું હોય છે એ વાત સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ ખાનગીમાં હોંશથી સ્વીકારે છે. જે એજન્સીઓ દેશની કે સરહદી રાજ્યની સુરક્ષા માટે હોય છે, તે એજન્સીઓ પણ લાંચમાં લપેટાતી હોય છે, એવો વધુ એક દાખલો ACB ની કાર્યવાહીઓ દરમ્યાન બહાર આવી ગયો.
એક ધંધાર્થીના ટ્રકના અસલ કાગળો અમરેલી જિલ્લાની જાફરાબાદ મરીન પોલીસના કબજામાં હતાં અને લાંચની આ ફરિયાદનો ફરિયાદી આ ધંધાર્થી એક ગુનાનો તહોમતદાર હતો. આથી તેને ‘ધમકી’ આપવામાં આવી કે, ‘પાસા’ માં ફીટ કરાવી દઈશ, બચવું હોય અને ટ્રકના અસલ કાગળો પરત જોઈતા હોય તો રૂ. 3 લાખ આપવા પડશે.
આ ફરિયાદી(મરીન પોલીસ સ્ટેશનનો આરોપી) આ લાંચ આપવા ઈચ્છતો ન હતો, આથી તેણે ACBનો સંપર્ક કર્યો. છટકું ગોઠવાયું. અને, મરીન પોલીસના ફોજદાર વતી એક પોલીસકર્મીએ એક વચેટીયાના માધ્યમથી સેટિંગ કર્યું. ફરિયાદીએ લાંચના રૂ. 3 લાખ વચેટીયાને આપ્યા. વચેટીયાએ આ નાણાં ફોજદાર અને પોલીસ કર્મી વતી સ્વીકારી લીધાં. ACB એ આ વચેટીયાને પકડી પાડ્યો અને તેની પાસેથી લાંચની આ રકમ રિ-કવર કરી. આ છટકા દરમ્યાન, વચેટીયા તથા પોલીસકર્મી વચ્ચે ટેલિફોનિક વાતચીત પણ થઈ, પોલીસકર્મી તરફથી ‘લીલીઝંડી’ મળતાં વચેટીયાએ ‘સાહેબ’ વતી લાંચ લીધી- એવું આ છટકાની વિગતો તરીકે ACB એ જાહેર કર્યું છે.
આ ફોજદાર જાફરાબાદ મરીન પોલીસમાં છે, જેનું નામ આર.એમ.રાધનપુરા છે, પોલીસ કર્મીનું નામ આશિષસિંહ ઝાલા છે અને વચેટીયાનું નામ આરિફ અકબર રવજાણી છે. જે મહુવાનો છે અને આ સેટિંગ તેણે જાફરાબાદમાં હેન્ડલ કર્યું…પણ, ઝડપાઈ ગયો.






















































