Mysamachar.in-સુરત:
સુંવાળો સહવાસ શોધવો, પ્રાપ્ત કરવો અને શક્ય હોય તો માણવો- આ પ્રકારની મનોવૃત્તિ અસંખ્ય પુરૂષો ધરાવતા હોય છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના કારણે આ આખો વિષય વ્યાપક બન્યો. અસંખ્ય પ્રકારની ડેટિંગ સાઇટને લીધે અને વ્યક્તિગત સંપર્કો પણ પુષ્કળ વધી ગયા. આ સ્થિતિઓનો ગેરલાભ ઉઠાવવા ઘણી મહિલાઓ રાતદિવસ ‘મહેનત’ કરે છે. ઘણું છાનુંછપનું ચાલી રહ્યું છે અને કેટલાંક કિસ્સાઓ બહાર આવી જતાં ‘સમાચાર’ બની રહ્યા છે.
આ પ્રકારના વાતાવરણનો ફાયદો ઉઠાવવા કેટલાંક પુરૂષો મહિલાઓની સાથે મળી, ‘ગેંગ’ બનાવે છે, હનીટ્રેપ ગોઠવાતા રહે છે. કેટલાંક અસામાજિક તત્વો આ ધંધો સફળતાથી ચલાવી રહ્યા છે. અમુક આવા કિસ્સાઓ બહાર આવી જાય છે.
આવો વધુ એક કિસ્સો બારડોલી વિસ્તારમાં જાહેર થઈ ગયો. ભાવના અને હંસા નામની બે મહિલાઓએ એક આધેડને ડેટિંગ સાઇટ મારફતે લપેટમાં લઈ લીધાં. સંપર્ક, વાતચીત અને મુલાકાત શરૂ થઈ. આધેડને એક મકાનમાં બોલાવવામાં આવ્યા. પછી, આ મહિલાઓના સાગરિત શખ્સો (નકલી) પોલીસ તરીકે પ્રગટ થયા.
ધાકધમકી અને બ્લેકમેલિંગનો પ્રયાસ થયો. લાખોની રકમની માંગ થઇ. બળાત્કારની ફરિયાદની ધમકી આપવામાં આવી. અમુક લાખની લેતીદેતી કરવાનો નિર્ણય થયો. ત્યાં સુધી આ આધેડને ચોક્કસ મકાનમાં ગોંધી દેવામાં આવ્યા. દરમ્યાન, આધેડએ પોતાના ભાઈ મારફતે આ આખી વિગતો યેનકેન રીતે પોલીસ સુધી પહોંચાડી.
બાદમાં સુરત ગ્રામ્ય ક્રાઈમ બ્રાંચ અને બારડોલી ટાઉન પોલીસે સંયુક્ત ટીમ બનાવી, છટકું ગોઠવી, આ બે મહિલાઓ સહિતની ગેંગના સાગરિતોને ઝડપી લીધાં. જો કે, આ ગેંગના બે આરોપીઓને હજુ ફરાર જાહેર કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ જ મકાનમાં અગાઉ પણ એક હનીટ્રેપ આ ગેંગે ગોઠવેલું. તેમાં ગેંગ સફળ રહેતાં આ બીજી ટ્રેપ ગોઠવવામાં આવેલી પરંતુ આ વખતે પોલીસ સફળ રહી.
આ મામલામાં ઝડપાયેલા સાગરિતોના નામ: ભાવના પ્રદીપ અડધડ, હંસા અશોક ચૌહાણ, અક્ષય ચીખલીયા, સંજય ચૌહાણ, મયૂર તાયડે અને અશોક વાઘેલા. આ મામલામાં ફરાર આરોપીઓ ક્રિષ્નારામ અને અન્ય એક અજાણ્યો શખ્સ. ઝડપાઈ ગયેલા બધાંની પૂછપરછ ચાલુ છે. અને આ તત્વોએ અત્યાર સુધીમાં કેટલોક ‘બિઝનેસ’ કરી લીધો છે એ અંગેની જાણકારીઓ મેળવવામાં આવી રહી છે.(symbolic image)






















































