Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજ્યમાં ખાણકામ શું બાબત છે અને ખાણખનિજના ધંધામાં શું શું થઈ શકે અને શું શું થઈ રહ્યું છે- એ બાબતો કોઈથી છૂપી નથી. દરમ્યાન, સરકારનો એટલે કે CAG નો એક એવો રિપોર્ટ બહાર આવ્યો કે જેમાં દર્શાવાયું છે કે, જિલ્લાઓમાં જે મિનરલ ફાઉન્ડેશન નામની સરકારી સંસ્થાઓ વર્ષોથી કામગીરીઓ કરી રહી છે, એમાં ઘણું બધું બરાબર નથી.
પ્રધાનમંત્રી ખનિજ કલ્યાણ ક્ષેત્ર યોજના હેઠળ, ગુજરાતના બધાં જ જિલ્લાઓ સહિત દેશભરના તમામ જિલ્લાઓમાં સરકારી સંસ્થાઓ ‘ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન’ બનાવવામાં આવી છે. આ સંસ્થાઓ પોતાના વિસ્તારોમાં પર્યાવરણ, પાણી, શિક્ષણ વગેરે લોક ઉપયોગી કાર્યો કરે છે. આ સંસ્થાઓની કામગીરીઓમાં ગેરરીતિઓ થઈ છે, એવું CAG ના રિપોર્ટમાં બહાર આવી ગયું.
ગુજરાતમાં જે જિલ્લાઓમાં ખનિજ નીકળે છે એવા 32 જિલ્લાઓમાં આ ફાઉન્ડેશન કામ કરે છે. નિયમ એવો છે કે, આ સંસ્થાઓના વાર્ષિક અહેવાલો દર વર્ષે રાજ્ય સરકારની અને લોકોની જાણકારીઓ માટે વિધાનસભામાં રજૂ કરવા. પરંતુ CAG રિપોર્ટ કહે છે: ગુજરાતમાં આ સંસ્થાઓએ આઠ આઠ વર્ષથી પોતાના વાર્ષિક અહેવાલો વિધાનસભામાં રજૂ કર્યા નથી ! (અહેવાલોમાં લોચા છે ?!)
CAGનો અહેવાલ જણાવે છે: આ સંસ્થાઓના 5,732 પ્રોજેક્ટ રદ્દ કરાયા છે અને 3,278 પ્રોજેક્ટ શરૂ કરી શકાયા નથી. ગુજરાતની આ 32 સંસ્થાઓમાં રૂ. 1,608 કરોડ યોગદાન તરીકે આવ્યા. જેમાંથી રૂ. 756 કરોડના ખર્ચ કરવામાં આવ્યા. પરંતુ આ ખર્ચ ક્યાં, કેવી રીતે કરવામાં આવ્યા, તે છૂપાવાયું.
આ સંસ્થાઓએ પર્યાવરણ પાછળ માત્ર 1.86 ટકા રકમનો ખર્ચ કર્યો. ખાણકામથી સૌથી વધુ નુકસાન પર્યાવરણને થતું હોય છે, છતાં રાજ્યમાં 32 પૈકી 4 જિલ્લાઓના મિનરલ ફાઉન્ડેશન એવા છે જેણે પર્યાવરણ માટે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નથી. ગેરકાયદેસર ખાણકામના દંડપેટે આ સંસ્થાઓને રૂ. 84.46 કરોડ ફાળા તરીકે પ્રાપ્ત થયા, તે પૈકી રૂ. 83.61 કરોડ કામો પાછળ ખર્ચ કરવામાં ન આવ્યા, તિજોરીમાં પડ્યા રહ્યા.
પોરબંદર, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, સુરત અને ભાવનગરના આ ફાઉન્ડેશન 149 પ્રોજેક્ટનું ઓડિટ થયું તો તેમાં ગેરરીતિઓ બહાર આવી ગઈ. દાખલા તરીકે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ રૂ. 7.98 કરોડનું કામ ટેન્ડર વગર ‘બારોબાર’ કરાવી લેવામાં આવ્યું, એમ આ રિપોર્ટમાં કહેવાયું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, ખાણકામ માફિયાઓને રાજકીયશરણ મળતું હોય છે, એ હવે ઓપન સિક્રેટ છે. અસંખ્ય એવી લીઝ ધમધમતી હોય છે, જેના પર સરકારી લેણાં બાકી હોય છે, જેની વસુલાત થતી નથી. સરકારોની માફક આ મિનરલ ફાઉન્ડેશન પણ ખાણ માફિયાઓ પ્રત્યે ‘ઉદાર’ વલણ ધરાવતાં હોય છે. ‘મનરેગા’ જેવા કૌભાંડ પણ ખાણખનિજ ક્ષેત્રમાં બહાર આવી શકે, એવી આશંકાઓ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.(પ્રતીકાત્મક તસ્વીર)

























































