Mysamachar.in-રાજકોટ:
જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં સ્માર્ટ વીજમીટર લગાવવાની કામગીરીઓ ધીમી ચાલી રહી હોય, વીજતંત્ર દ્વારા આ ખાનગી એજન્સીને એક કરતાં વધુ વખત નોટિસ આપવામાં આવી છે અને પેનલ્ટી પણ ફટકારવામાં આવી છે.વીજતંત્રની રાજકોટ કોર્પોરેટ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ કામગીરીઓ માટેની ખાનગી એજન્સીએ કોન્ટ્રાક્ટ મેળવતી વખતે એવી ખાતરી આપી હતી કે, અમે માર્ચ-2026 સુધીમાં સૌરાષ્ટ્રમાં 23.66 લાખ સ્માર્ટ વીજમીટર લગાવી આપીશું. પરંતુ હકીકત એ બહાર આવી કે, આ એજન્સી પાસે પૂરતા કર્મચારીઓ નથી અને શરૂઆતમાં લોકોએ આ સ્માર્ટ વીજમીટરનો બહુ વિરોધ કર્યો, આથી કામગીરીઓ લક્ષ્યાંક અનુસાર થઈ શકી નથી.
એજન્સીની કામગીરીઓમાં શરતભંગ થયો હોય વીજતંત્રએ આ કોન્ટ્રાક્ટરને ઘણી વખત નોટિસ આપી, બાદમાં પેનલ્ટી પણ ફટકારી છે. આ કંપનીએ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં કુલ 5.21 લાખ સ્માર્ટ વીજમીટર લગાવ્યા. એટલે કે, નિર્ધારિત લક્ષ્યની સામે 22 ટકા જેટલી કામગીરીઓ થઈ. આ કામગીરીઓ દરમ્યાન અંદાજે 12,000થી વધુ સરકારી કચેરીઓમાં સ્માર્ટ વીજમીટર લગાવાયા.
હાલ સૌરાષ્ટ્રમાં સ્માર્ટમીટરનો વિરોધ મંદ છે છતાં કંપની માણસોના અભાવે ધીમી કામગીરીઓ કરે છે. સૌથી વધુ 1,37,351 વીજમીટર રાજકોટ શહેરમાં લાગ્યા. જે છ જિલ્લાઓના કુલ આંકડા કરતાં મોટો આંકડો છે. જામનગર કચેરી અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લાઓ છે અને સૌથી વિશાળ સર્કલ આ છે છતાં સ્માર્ટ વીજમીટરની સંખ્યાની દ્રષ્ટિએ જામનગર સર્કલ કચેરીનો કામગીરીઓની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રમાં છેક પાંચમો ક્રમ છે, બે જિલ્લાઓમાં મળી કુલ 52,759 વીજમીટર લગાવી શકાયા છે. મતલબ, આ વિસ્તારમાં ખાનગી એજન્સીએ પૂરતાં કર્મચારીઓ આપ્યા નથી.






















































