Mysamachar.in-અમદાવાદ:
બેંકોના નફાનો આધાર, બેંક કર્મચારીઓ તથા અધિકારીઓના જલસા અને બેંકોનો વિકાસ- આ બધી જ બાબતો, ગ્રાહકો બેંકોમાં જે નાણાં જમા રાખે છે અને બેંકો મારફતે જે નાણાંકીય વ્યવહારો કરે છે, તેના પર આધારિત છે. ગ્રાહકો છે, તો બેંકો છે. આમ છતાં બેંકો પોતાના બિઝનેસ અને વહીવટની રેકર્ડ પરની વિગતો, આંકડાઓ અને માહિતીઓ ગ્રાહકોથી છૂપાવી, ગ્રાહકોને હકીકતો અંગે અંધારામાં રાખે છે ! આ રીતે ગ્રાહકોને અંધારામાં રાખવા માટે બેંકો છેક સુપ્રિમ કોર્ટ સુધી લડી રહી છે ! બેંકો શા માટે માહિતીઓ છૂપાવી રહી છે ? ખોટું થઈ રહ્યું છે ? બેંકો કોઈની તરફદારી કરી રહી છે ? બેંકોના પેટમાં કોનું પાપ છે ? એવા સવાલો સપાટી પર આવી ગયા.
બેંકોએ પોતાના ઈન્સ્પેક્શન રિપોર્ટ, ખોટી થયેલી લોન્સ અને બેંકોને ચૂનો લગાડનાર તત્વોના નામો RTI હેઠળની અરજીના જવાબોમાં જાહેર કરવા જોઈએ. આ પ્રકારની ઘણી બધી પિટિશન સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલી છે. પરંતુ બેંકો ઘણું બધું છૂપાવવા ચાહતી હોય, આ પિટિશનો સામે બેંકો કાનૂની જંગ લડી રહી છે.
ખુદ રિઝર્વ બેંક દ્વારા તમામ બેંકોને કહેવામાં આવ્યું છે કે, બેંકોએ ચકાસણીઓ તથા જોખમ વિશ્લેષણ અહેવાલો, એનપીએ, જાણીજોઈને બેંકોને લોન પરત ન ચૂકવતા લોકોના નામો, શો-કોઝ નોટિસ અને પેનલ્ટી તથા બેંકોના ઈન્સ્પેક્શન રિપોર્ટની વિગતો જાહેર કરવી જોઈએ.
આમ છતાં બેંકો એવી દલીલો કરી રહી છે કે, જો આ બધું જાહેર કરીએ તો, અમારાં બિઝનેસ પર અસર થઈ શકે. આવી દલીલો સાથે બેંકો આ બધી બાબતો છૂપાવે છે. આ મામલો કેન્દ્રીય માહિતી આયોગ પાસે પણ ગયો હતો. આયોગે બેંકોની સાથે રહેવાનું પસંદ કરી, આ બધી માહિતીઓ જાહેર કરવા પર હાલ સ્ટે આપી દીધો. જો કે, સુપ્રિમ કોર્ટ આ મુદ્દા પર શું ચુકાદો આપે છે, તેના પર સૌની નજર છે. સુપ્રિમ કોર્ટના ચૂકાદાની દેશભરમાં વ્યાપક અસરો પડશે.






















































