Mysamachar.in-જામનગર:
જામનગરના પંચવટી વિસ્તારમાં એકલી રહેતી એક શિક્ષિકાએ 3 વર્ષ અગાઉ આપઘાત કરી લીધો હતો અને એમ જાહેર થયેલું કે, કેટલાંક શખ્સોના ત્રાસથી તેણીએ જિંદગી ટૂંકાવવાનો કઠોર નિર્ણય લીધો હતો. આ કેસમાં 3 શખ્સોને સજાનો હુકમ થયો છે.
2023ની સાલમાં શહેરના પંચવટી વિસ્તારમાં રહેતી નૂરઝાહા ઈબ્રાહીમભાઈ હુંદડા(28)નામની એક શિક્ષિકાએ ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી નાંખી હતી. આ મૃતક શહેરની એક ખાનગી અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં શિક્ષિકા હતી અને એકલી જ રહેતી હતી, કેમ કે કોરોનાકાળ દરમ્યાન તેણીએ માતા-પિતા અને નાનીબેનને કોરોનામાં ગુમાવી દીધાં હતાં.
આ યુવતિ અપરણીત હતી. પંચવટી સોસાયટીમાં શીતલ એપાર્ટમેન્ટમાં વસવાટ કરતી હતી. આ યુવતિએ ગળાફાંસા દ્વારા જિંદગી ટૂંકાવી એ સમયે તેણી દ્વારા લખાયેલી એક સુસાઈડ નોટ તેણીના ફલેટમાંથી મળી આવી હતી. આ નોટ મૃતકના મોટાભાઈ ઈશાક ઈબ્રાહીમભાઈ હુંદડા દ્વારા પોલીસમાં રજૂ કરવામાં આવી હતી અને તેના આધારે FIR દાખલ કરાવવામાં આવી હતી.
આ FIR માં જામનગરના બેડી વિસ્તારના 3 શખ્સો અફરોઝ તૈયબ ચમડીયા, રજાક નૂરમામદ સાઈચા અને અખ્તર અનવર ચમડીયાના નામો આરોપીઓ તરીકે જાહેર થયા હતાં. ફરિયાદમાં કહેવાયું હતું કે, આ શખ્સોએ તેણીને ત્રાસ આપી આપઘાત કરવા મજબૂર કરી હતી.
આ કેસ અદાલતમાં ચાલ્યો તે દરમ્યાન ફરિયાદપક્ષે કુલ 24 સાહેદોના નિવેદન નોંધવામાં આવ્યા હતાં. જો કે સુસાઈડ નોટ પોલીસ સુધી પહોંચાડનાર, મૃતકના ભાઈએ અદાલતમાં હોસ્ટાઇલ જાહેર થયા હતા. જો કે સરકારી વકીલ દિપક ત્રિવેદીએ હસ્તાક્ષર નિષ્ણાંતનો અભિપ્રાય અને સુપ્રિમ કોર્ટના અન્ય 9 ચુકાદા રજૂ કરી ફરિયાદપક્ષ મજબૂત કર્યો. અદાલતે બંને પક્ષોને સાંભળી, ફરિયાદપક્ષની દલીલો અને રજૂઆતો ગ્રાહ્ય રાખી, આ કેસના ત્રણેય આરોપીઓને 7-7 વર્ષની જેલસજા અને રૂ. 5-5 હજારના દંડનો હુકમ કર્યો છે.






















































