Mysamachar.in-જામનગર:
જામનગરની વાહનવ્યવહાર કચેરીની કામગીરીઓ છેલ્લા પચ્ચીસેક વર્ષથી, ભારે ઔદ્યોગિકરણને કારણે વધી ગઈ છે. એક સમયે તો આવકની દ્રષ્ટિએ જામનગરની આ કચેરીનો રાજ્યમાં પ્રથમ નંબર પણ નોંધાયો હતો. આ કચેરી હાલમાં પણ દંડકીય કામગીરીઓ દ્વારા દરરોજ નોંધપાત્ર આવક મેળવી રહી છે.
જામનગર શહેર અને જિલ્લાભરમાં ઘણાં બધાં રસ્તાઓ પર ઓવરલોડ વાહનો દિનરાત દોડતાં હોય, એવું લોકો જોઈ રહ્યા છે. આ ઉપરાંત રસ્તાઓ પર ભંગાર હાલત ધરાવતાં વાહનો પણ ઘણાં દોડી રહ્યા છે અને ઘણાં વાહનચાલકો બેફામ તથા જોખમી અને ભયજનક એટલે કે ડેન્જર ડ્રાઇવિંગ કરી રહ્યા હોય છે.
જામનગર RTO દ્વારા વર્ષભર ઓવરલોડ વાહનોની તપાસ કરવામાં આવી, વર્ષ દરમ્યાન આ પ્રકારના 1,044 વાહનો મળી આવ્યા. એટલે કે, સમગ્ર જિલ્લામાંથી રોજ 3 વાહનો ઓવરલોડ દોડતાં ઝડપાઈ ગયા. આખા મહિનામાં, આખા જિલ્લામાં માત્ર 2 જ વાહનો ભયજનક રીતે દોડે છે, વર્ષ દરમ્યાન આ પ્રકારના 24 વાહનો ઝડપાયા.
રોજ આખા જિલ્લામાં 13 વાહનો એવા ઝડપાઈ રહ્યા છે, જે સ્પીડથી દોડતાં હોય. વર્ષ દરમ્યાન આ પ્રકારના 4,845 વાહનો ઝડપાઈ ગયા. અને, સમગ્ર જિલ્લામાં રોજ 4 વાહનો રસ્તાઓ પર એવા દોડે છે, જે ફીટનેસ ધરાવતા હોતા નથી. વર્ષ દરમ્યાન આ પ્રકારના 1,360 વાહનો ઝડપાયા.
વર્ષ દરમ્યાન આ કચેરીએ કુલ રૂ. 7.40 કરોડની દંડનીય આવક નોંધાવી છે. એટલે કે, આ કચેરી દરરોજ લગભગ રૂ. 2 લાખ જેટલી આવક સરકારની તિજોરીમાં જમા કરાવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગર શહેર અને જિલ્લામાં રોજ લાખો વાહનો રસ્તાઓ પર પસાર થઈ રહ્યા છે, અને તેથી સ્વાભાવિક રીતે જ અકસ્માતોની તથા અકસ્માતમાં મોતની સંખ્યા પણ નોંધપાત્ર રહે છે.
























































