Mysamachar.in-જામનગર:
ગત્ 11 તથા 12 મી જાન્યુઆરીએ રાજકોટમાં મારવાડી ઈન્સ્ટીટયૂટ ખાતે યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં જામનગર માટે બહુ મોટી જાહેરાત થઈ. આ જાહેરાત અનુસાર, જામનગર શહેર માટે લોજિસ્ટીક પ્લાન લોંચ કરવામાં આવ્યો. આ પ્લાનનો આંકડો છે રૂ. 1,354 કરોડ.
આ સમગ્ર વિષય અંગે, જામનગર મહાનગરપાલિકાએ આજે જાહેરાત કરી કે, ટકાઉ શહેરી વિકાસ અને કાર્યક્ષમ માલપરિવહનને પ્રોત્સાહન આપવા, જામનગર શહેર માટે CLP એટલે કે સિટી લોજિસ્ટીક પ્લાન સત્તાવાર રીતે લોંચ થયો. જામનગરના મેયર અને કમિશનરની ઉપસ્થિતિમાં આ પ્લાન લોંચ થયો.
મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે, શહેરમાં માલ પરિવહન વ્યવસ્થાઓમાં સુધારો લાવવા, ટ્રાફિક ભીડ ઘટાડવા, પર્યાવરણ પર પડતાં પ્રભાવને ઓછો કરવા અને સમગ્ર શહેરની ગતિશીલતામાં વધારો કરવા આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઝડપથી વિકસતું જામનગર શહેર સંરચિત અને દ્રષ્ટિપૂર્ણ લોજિસ્ટીક માળખાની આવશ્યકતાઓ ધરાવે છે.
આ પ્લાન અંતર્ગત ફ્રેઈટ મેનેજમેન્ટ, યોગ્ય માર્ગ વ્યવસ્થા, આધુનિક માળખાગત સુવિધાઓ તથા અંદાજિત રૂ. 1,354.50 કરોડના ખર્ચે કુલ 3 ફેઈઝમાં વર્ષ 2047 સુધીમાં શહેરી વિકાસ તથા લોજિસ્ટીક એકીકરણની કામગીરીઓ પૂર્ણ કરવામાં આવશે, એમ મહાનગરપાલિકાએ જાહેર કર્યું.
આ પ્લાનથી નાગરિકોના જિવનધોરણમાં સુધારાઓ આવશે, માર્ગ સલામતીમાં સુધારો આવશે, માલ પરિવહન સરળ બનશે, ટ્રાફિકમાં ઘટાડો થશે, પ્રદૂષણ ઘટશે, ઈંધણ બચત થશે, સ્થાનિક વેપાર અને ઉદ્યોગો માટેની લોજિસ્ટીક સેવાઓ વધશે, પર્યાવરણીય અસરો ઘટશે, ઔદ્યોગિક વિકાસ વધશે- વગેરે દાવાઓ આ તકે જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યા છે.





















































