Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં મકરસંક્રાતિની અગાઉ વીજતંત્ર દ્વારા લોકોને ખાસ કરીને પતંગશોખીનોને એવો અનુરોધ કરવામાં આવ્યો હતો કે, પતંગ ચગાવતી વખતે પતંગની દોર વીજવાયરોમાં ફસાઈ ન જાય તેનું ધ્યાન રાખવું અને વીજ અકસ્માત ન સર્જાય તેની કાળજી લેવી. દરમ્યાન, મકરસંક્રાંતિ પર્વ પર જામનગર શહેર કે જિલ્લામાં કયાંય પતંગને કારણે વીજ અકસ્માત સર્જાયો નથી, કોઈ જાનહાનિ થઈ નથી. એ સારી બાબત છે. તેની સામે હકીકત એ રહી કે, મકરસંક્રાંતિના દિવસે શહેરના મોટાભાગના વિસ્તારોમાં આખો દિવસ કાં તો વીજપૂરવઠો ગૂમ રહ્યો અથવા તેની આવનજાવન રહી. જેને કારણે મોબાઈલ ચાર્જિંગ સહિતની અનેક બાબતોમાં લોકો તકલીફમાં મૂકાતા રહ્યા.
ઘણાં બધાં સ્થળો પર પતંગની દોર જિવંત વીજવાયરોમાં ફસાઈ જતાં અને શોર્ટ સર્કિટ થતાં તથા અમુક જગ્યાએ ટ્રાન્સફોર્મરમાં પણ ફોલ્ટ સર્જાતા ઘણાં વિસ્તારોમાં વીજપૂરવઠો ગૂલ રહ્યો. 14મી જાન્યુઆરીએ સમગ્ર સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં પતંગને કારણે 1,326 ફોલ્ટ સર્જાયા. જે પૈકી સૌથી વધુ 461 ફરિયાદો રાજકોટમાં નોંધાઈ. અને વીજપૂરવઠાની સૌથી ઓછી 7 ફરિયાદ પોરબંદરમાં થઈ છે. જામનગર 230 ફરિયાદ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં બીજા ક્રમ પર રહ્યું. જો કે, સૂત્રના જણાવ્યા અનુસાર તેમાં પતંગ સંબંધિત ફરિયાદ માત્ર 20 છે. વીજપૂરવઠો ગૂમ થયાની બાકીની ફરિયાદ અન્ય કારણોસર થઈ.





















































