Mysamachar.in-જામનગર:
જામનગરના નગરજનો સારી પેઠે જાણે કે, જામનગરીઓને તમામ પ્રકારના નાનામોટા બધાં જ જૂગારનો જબરો શોખ છે. અહીં ચલણી નોટના એકીબેકી આંકડાથી માંડીને ક્રિકેટના કમાણીદાર સુધીના અને વાહનોના નંબર પરના જૂગારથી માંડીને ઘોડા-ઉંટ અને વાહનોની રેસ સુધીના બધાં જૂગાર જામનગરીઓ રમી જાણે છે. રમીનો જૂગાર પણ જામનગરીઓ માટે અજાણ નથી.
આ પ્રકારના વાતાવરણ વચ્ચે પોલીસે ઉંટગાડી રેસ જૂગારમાં 4 જૂગારીને ઝડપી લીધાં હોવાનું પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પોલીસ ઈન્સ્પેક્ટર વી.જે.રાઠોડના માર્ગદર્શન હેઠળ સ્ટાફે આ જૂગાર જામનગર નજીકના દરેડ ખાતે આવેલા FCIના ગોદામ સામેથી ઝડપી લીધો છે. પોલીસે આ મામલામાં 4 જૂગારીની ધરપકડ કરી તેમની પાસેથી રૂ. 30,010ની રોકડ કબજે કરી છે. આ જૂગારમાં ઝડપાયેલા 4 શખ્સોના નામ રમેશ દેવા ચાવડા, સુલેમાન ઈબ્રાહીમ સમા, લાલજી નરશી મંગે ઉર્ફે લાલો ભાનુશાળી અને જાવેદ જુસબ સમા છે. પોલીસે આ જૂગારમાં હજુ 4 આરોપીઓને પકડવાના બાકી છે એમ જણાવી આ આરોપીઓના નામો પણ જાહેર કર્યા છે. જેમાં મહેમૂદ ઈબ્રાહીમ ખફી, અશરફ ખફી, સલીમ હનીફ ખફી અને અકબર ઉમર ખફીનો સમાવેશ થાય છે.(file image courtesy google)
