Mysamachar.in-વડોદરા:
મોબાઈલ અથવા તો આ ફોનની બેટરી ગમે ત્યારે, ખાસ કરીને ગરમી કે ઓવર હીટીંગને કારણે બ્લાસ્ટ થઈ શકે છે અને મોબાઈલધારકને ઈજાઓ પહોંચાડી શકે છે, આ પ્રકારનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બ્લાસ્ટથી ઘવાયેલા યુવકને હાથપગમાં ગંભીર ઈજાઓ થઈ છે.
આ બનાવ વડોદરાના ઉંડેરા વિસ્તારમાં બન્યો હોવાની વિગતો બહાર આવી છે. એક વાહન ગેરેજમાં એક મિકેનિક યુવાન કાર નીચે સૂતાં સૂતાં રિપેરીંગ કરી રહ્યો હતો, ત્યારે આ ઘટના બની. મિકેનિકના ખિસ્સામાં રહેલો મોબાઈલ બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટને કારણે આ મિકેનિકને હાથપગમાં ગંભીર ઈજાઓ થતાં તેને તાકીદની સારવાર માટે નજીકની એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવાન મિકેનિકનું નામ નીબુલાલ ચૌહાણ છે.
ગરમી વધી જવાથી મોબાઈલ ફોનની બેટરી ગમે ત્યારે ફાટી શકે છે. ફોનનો લાંબા સમય સુધી એકધારો ઉપયોગ કરવાથી પણ બેટરી અને ફોન ગરમ થઈ જાય છે. આ સ્થિતિમાં બ્લાસ્ટની શકયતાઓ વધી જતી હોય છે. ફોનને જરૂર કરતાં વધુ સમય સુધી ચાર્જમાં મૂકી રાખવાથી પણ ઓવરચાર્જ અને હીટીંગ વધી જતું હોય છે. આ કારણથી પણ મોબાઈલ અથવા બેટરીમાં બ્લાસ્ટ થઈ શકે છે. બેટરી ઓવરચાર્જ થતાં બેટરીના રસાયણોમાં આકસ્મિક ફેરફાર થઈ જતો હોય છે અને બ્લાસ્ટ થઈ શકે છે.

ઘણી વખત ફોનના કવરને કારણે પણ એકધારા વપરાશથી બેટરી અથવા ફોન વધુ ગરમ થઈ જતો હોય છે. આ કારણથી પણ બ્લાસ્ટ થઈ શકે. કેટલાંક કિસ્સાઓમાં બેટરી હાથમાંથી, ઉંચાઈ પરથી નીચે પછડાય છે ત્યારે પણ, બેટરીના રસાયણમાં પ્રક્રિયાઓ થવાથી બ્લાસ્ટ થઈ શકે. નિષ્ણાંતો એમ પણ કહે છે કે, મોબાઈલ જ્યારે ચાર્જ થઈ રહ્યો હોય ત્યારે તેનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. કેમ કે, આ કારણથી પણ બેટરી અથવા ફોનનું ઓવર હીટીંગ થતું હોય છે. જેથી બ્લાસ્ટની શકયતાઓ વધી જતી હોય છે. ઘણી વખત અમુક લોકો નબળાં મોબાઈલ ચાર્જરનો ઉપયોગ કરતાં હોય છે, આ કારણથી પણ ફોન અથવા બેટરીમાં ઓવર હીટીંગ થતાં બ્લાસ્ટ થઈ શકે. મોબાઈલના વપરાશકારોએ આ બધી બાબતોથી બચવું જોઈએ.