Mysamachar.in-અમદાવાદ:
ગુજરાત ડ્રાય સ્ટેટ હોવા છતાં દારૂભીના સમાચારો સતત વરસતા રહે છે, એ પોલીસતંત્રની વાચકો અને દર્શકો પ્રત્યેની ઉદારતા લેખાવી શકાય. શરાબના સમાચાર જો જાહેર ન થાય તો, સમાચારોની દુનિયા સૂકીભઠ્ઠ બની જવાની શકયતાઓ રહે. શરાબ સંબંધિત વધુ એક મનલુભાવન અને મનોરંજક સમાચાર પ્રગટ થયા છે, જે જાણવાલાયક છે.
પોલીસ વિભાગની ફરિયાદ નોંધવાની સમગ્ર વ્યવસ્થાઓ રોચક છે. આ વિભાગમાં સતત નવા અને ઈનોવેટીવ પ્રયોગો થતાં રહે છે. જેમાંથી ઘણી વખત આરોપીઓને પણ પ્રેરણા પ્રાપ્ત થતી હોય છે. આવી વધુ એક ફરિયાદ પોલીસે નોંધી છે. ઘણાં કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે, પોલીસ પાસે પાકી બાતમી હોય છે કે, ફલાણી તારીખે, ફલાણા સમયે, ફલાણા રોડ પરથી ફલાણું વાહન પસાર થશે, જેમાં માલ એટલે કે દેશી અથવા અંગ્રેજી શરાબ હશે. આ પાકી બાતમીના આધાર પર પોલીસ માલ પકડી પણ લેતી હોય છે. આરોપીઓ ડરપોક હોય છે. પોલીસને જોઇ નાસી જતાં હોય છે. આથી પોલીસ મુદ્દામાલ કબજે લઈ નાસી ગયેલાં આરોપી કે આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરી, આગળની કાર્યવાહીઓ હાથ ધરતી હોય છે. આ પરંપરા જૂની બની જતાં પોલીસે નવો ઈનોવેટીવ કોન્સેપ્ટ શોધી કાઢ્યો. FIR થોડી વધુ રસપ્રદ બનાવી અને આ શરાબની હેરફેર કરી રહેલાં વાહનને પણ ‘આરોપી’ બનાવી, FIR બનાવી લીધી.
આ મામલો અમદાવાદનો છે. અમદાવાદના નવરંગપુરા વિસ્તારની પોલીસે એક ફોર સ્ટ્રોક ઓટો રિક્ષાને શરાબની હેરાફેરીના કેસમાં આરોપી બનાવી. પોલીસે ફિલ્મી અંદાજમાં આ વાહનનો પાકી બાતમીના આધારે પીછો કરેલો, ચાલક જો કે ચાલાક હોય રિક્ષા રોડ પર છોડી નાસી ગયો. પોલીસે આ વાહનમાંથી 299 બોટલ શરાબ શોધી કાઢ્યો. બાતમી ટૂંકમાં પાકી હતી. પરંતુ આ વાહનને કેમ ઘેરવું, એ બાબતમાં પૂરૂં હોમવર્ક જો કે ન થતાં ચાલક નાસી જવામાં સફળ રહ્યો. ચર્ચાસ્પદ મુદ્દો એ રહ્યો કે, આ FIR માં ઓટો રિક્ષાને આરોપી તરીકે દેખાડવામાં આવી છે. અને નાસી ગયેલા ચાલકને આરોપી દેખાડવામાં આવ્યો કે કેમ ? તે વિગતો જાણવા મળી નથી. આ રિક્ષા વાડજ વિસ્તાર તરફથી આવી રહી હતી ત્યારે આશ્રમરોડ પર પોલીસે આ રાત્રિ ઓપરેશન રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન કર્યું એ વિગતો જાહેર થઈ છે.
(પ્રતિકાત્મક તસ્વીર સૌજન્ય ગુગલ)