Mysamachar.in-અમદાવાદ:
થોડા સમય પૂર્વે અમદાવાદ પોલીસ અને ટીઆરબીના જવાનો એક દંપતીને રોકીને રૂ.61 હજારનો તોડ કર્યો હતો. અને તે ઘટનાની હાઈકોર્ટે ગંભીરતાથી નોંધ લીધી હતી, તેવી જ એક ઘટના વર્લ્ડ કપની મેચ જોવા દિલ્હીથી આવેલા વેપારી સાથે બની હતી, જેમાં વેપારી પાસે દારૂની એક બોટલ હોવાથી નાના ચિલોડા પાસે 4 પોલીસ કર્મચારીએ રૂ.2 લાખની માગણી કરીને 20 હજારનો તોડ કર્યો હોવાનો મામલો પોલીસબેડામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે,
દિલ્હીના રહેવાસી કાનવ મનચંદા નામના વ્યક્તિ વર્લ્ડ કપની ફાઈનલ મેચ જોવા માટે દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા. તેમની પાસે દારૂની 1 બોટલ હતી. તેઓ નાના ચિલોડા પાસેથી પસાર થઇ રહ્યા હતા, ત્યારે ટ્રાફિક પોલીસના 4 જવાનોએ તેમને રોક્યા હતા અને કેસ કરવાની ધમકી આપી હતી, ત્યાર બાદ પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને આસપાસના વિસ્તારમાં ફેરવ્યા અને પતાવટ કરવા માટે રૂ.2 લાખની માંગણી કરી હતી. જોકે રકઝકના અંતે રૂ.20 હજારમાં પતાવટ થઈ હતી. અંતે કાનવભાઈએ આ પૈસા યુપીઆઈથી એક પોલીસકર્મીને ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.જો કે આ મામલો ભારે ચર્ચાસ્પદ બનતા એસીપીને આ અંગે ઈન્કવાયરી કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને હવે ઇન્ક્વાયરી બાદ દોષિતો સામે સસ્પેન્શન સહિતના પગલાઓ લેવામાં આવશે.