Mysamachar.in-જામનગર:
કોઈ પણ મહાનગર માટે, સ્થાનિક મહાનગરપાલિકાની સામાન્ય સભા એટલે કે જનરલ બોર્ડની બેઠક જ્યાં યોજાય તે સભાખંડને, તે શહેરનું લોકતંત્રનું મંદિર એટલે કે ‘સંસદ’ અથવા ‘વિધાનસભા’ કહી શકાય.જામનગરના આ લોકતંત્રના મંદિરમાં, વર્તમાન બોડીની હાલની ટર્મ દરમ્યાન એટલે કે, પાંચ વર્ષ દરમ્યાન શાસકપક્ષે કેવી ફટકાબાજી કરી અને વિપક્ષ દ્વારા કેવા અને કેટલાં ‘અઘરા’ દડા ફેંકવામાં આવ્યા, એ આંકડાઓ જાણવામાં કરદાતા નગરજનોને રસ પડશે.
આ પાંચ વર્ષ દરમ્યાન એટલે કે, 1,825 દિવસો પૈકી માત્ર 36 દિવસ માટે, શહેરના પ્રશ્નો માટે ‘સામાન્ય સભાની બેઠક’ થઈ. આ 36 બેઠક દરમ્યાન વિપક્ષે લોકોના મનની વાત આ મંદિરમાં ચર્ચાઓ માટે લાવવા 237 વખત પ્રયાસ કર્યો. એટલે કે દરેક બેઠકમાં એવરેજ 6.60 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા.
સૌ જાણે છે કે, આ બેઠકમાં પ્રશ્ન પૂછનાર સભ્યને ગોળગોળ, અધૂરાં અને ભળતાં જવાબો આપવામાં આવે છે અથવા જવાબમાં કોઈ અલગ પ્રકારની વાતો અથવા વારતાઓ કરવામાં આવે છે. અથવા, જો પ્રશ્ન વેધક અને અભ્યાસુ રીતે પૂછવામાં આવ્યો હોય તો, બહુમતી સભ્યો હોબાળો મચાવે, મંદિરમાં ઘોંઘાટ સર્જાય અને બહુમતી સભ્યોની લાગણી ધ્યાને લઈ, આયોજનના ભાગરૂપે બેઠકને અધ્યક્ષ એટલે કે મેયર ‘પૂર્ણ’ થયેલી જાહેર કરી દે. ટૂંકમાં, ખાયા પિયા સબકુછ, ગિલાસ તોડા બારહ આના જેવો ઘાટ દરેક બેઠકના અંતે સર્જાયો, એવું પાંચ વર્ષ દરમ્યાન નગરજનોએ જોયું.
આ પાંચ વર્ષ દરમ્યાન 36 બેઠકોમાં શાસકપક્ષે કેટલાં રન કર્યા ? જવાબ એ છે કે, કુલ 319 ઠરાવ થયા. મતલબ, શાસકપક્ષે દરેક બેઠકદીઠ 8.80 રન, બહુમતીના જોરે, કરી આ પાંચ વર્ષ દરમ્યાન વિપક્ષ પર સરસાઈ મેળવી લીધી. ‘ગોઠવેલ’ મેચ જિતી લીધી. પણ, હવે ચૂંટણીઓ આવશે, જિતશે કોણ ? એ પ્રશ્ન હાલ સસ્પેન્સ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, હાલની ટર્મમાં શાસકપક્ષ પાસે 64 પૈકી 50 સભ્ય છે. મુખ્ય વિપક્ષ કોંગ્રેસ પાસે 9 સભ્ય છે, બહુજન સમાજ પક્ષ પાસે 3 અને આમ આદમી પાર્ટી પાસે 2 સભ્ય છે. ચૂંટણીઓ પછી, નવું બોર્ડ રચાશે ત્યારે, કરદાતા નગરજનોના મતદાનની પેટર્નના આધારે, આ આંકડાઓમાં પરિવર્તન આવી શકે છે. બસ, થોડા સા ઈંતઝાર. પિકચર અભી બાકી હૈ. વીતેલા પાંચ વર્ષના અનુભવોના આધારે નગરજનો મતદાન કરશે. જો કે, ‘સેવકો’ને મતદાનની નહીં, હાલ તો ટિકિટ ની ચિંતાઓ છે. કૌન બનેગા કરોડપતિ- હાલ આ ચર્ચાઓ કોર્પોરેશનમાં ચાલી રહી હોય એમ સંભળાઈ-સમજાઈ રહ્યું છે.

























































