Mysamachar.in-રાજકોટ:
સમગ્ર સૌરાષ્ટ્રમાં વૃક્ષારોપણ જેવી સુંદર પ્રવૃત્તિઓ અને અફલાતૂન વૃદ્ધાશ્રમની સેવાકીય પ્રવૃત્તિઓ કરતી પ્રખ્યાત સંસ્થાના મેડિકલ સ્ટોરમાં રાજકોટ ખાતે નકલી દવાઓ મળી આવતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં સનસનાટી મચી ગઈ છે. અમુક લોકોએ રૂપિયાની ખાતર કરેલી આ ‘નીચ’ હરકતને કારણે આટલી સરસ સંસ્થાના નામ આસપાસ વિવાદ વીંટળાઈ ગયો !
રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર જાણીતું નામ છે. કરૂણતાની વાત એ છે કે, અહીં નકલી દવાઓ પણ મળી આવી. આ દવાઓ સુરતના એક ડીલરે સપ્લાય કરી હતી. આ પ્રકારના ખુલાસા રેકર્ડ પર આવી જતાં આ સેવાકીય સંસ્થાના સંચાલકો આઘાત અનુભવી રહ્યા છે. આ પ્રકારના કૃત્ય આચરનાર વિરૂદ્ધ આકરામાં આકરી કાર્યવાહીઓ થવી જોઈએ. કારણ કે, આ આખો મામલો નિર્દોષ લોકોના આરોગ્ય અને જિંદગીઓ સાથે સંકળાયેલો અતિ ગંભીર મામલો છે.
આ પ્રકરણની તપાસ દરમ્યાન વિગતો બહાર આવી કે, એક ગ્રાહકે આ મેડિકલ સ્ટોરમાંથી ખરીદેલી દવાની ગુણવત્તા નબળી પુરવાર થઈ. આ ગ્રાહકને શંકાઓ ઉઠતાં દવાનું પરીક્ષણ કરવામાં આવ્યું જે રિપોર્ટના આધારે સાબિત થયું કે, સુરતના ડીલર દ્વારા સપ્લાય કરવામાં આવેલી આ દવાઓ નકલી છે. આ ડીલરે રાજકોટની એક મેડિકલ એજન્સીને આ દવાઓ મોકલી હતી, જયાંથી આ નકલી દવાઓ મેડિકલ સ્ટોરમાં પહોંચી. અહીં ગંભીર બાબત એ પણ છે કે, ધારો કે આ જાગૃત નાગરિકે ફરિયાદ ન કરી હોત તો, શું થયું હોત ??(પ્રતિકાત્મક તસ્વીર)






















































