Mysamachar.in-દ્વારકા:
દ્વારકા તાલુકાના કુંરગામા જ્યારથી ઘડી એટલે કે RSPL કંપની આવી છે,ત્યારથી કંપનીને લઈને કોઈ ને કોઈ વિવાદ સમયાંતરે સામે આવતો રહે છે,ખેડૂતોની વેદના,આસપાસના સ્થાનિકોની વેદના,અંગે અવારનવાર રજુઆતો થાય છે,અરે છેક સીએમ સુધી પણ રજુઆતો થાય છે,છતાં પણ સંવેદનશીલ સરકાર અને સરકારના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી,અને સ્થાનિકોને હાલાકીનો પાર નથી,ત્યારે તાજેતરમાં જ કંપનીની જોહુકમીથી કંટાળી ચુકેલા સ્થાનિકોએ પોતાના લોહીની સહીઓવાળું આવેદનપત્ર અધિક કલેકટરને આપી RSPL સામે યોગ્ય પગલા ભરવા રજૂઆત કરી,..
RSPL ઘડી કંપની વિરુદ્ધ પાસેના અમુક ખેડૂતોના આંતરિક રસ્તા બંધ કરી દીધા હોય અને ઉપરથી કંપની દ્વારા ખેડૂતોને ખેતરમા પ્રવેશ આપવામા સિક્યુરિટી દ્વારા ત્રાસ અપાતો હોવાની ફરિયાદો અનેક વખત ઉઠવા પામી હોય રાજમાર્ગ અને આંતરિક રસ્તા બાબતે ખેડૂતોએ મામલતદાર કલેક્ટર અને મુખ્યમંત્રી સુધી અનેક રજૂઆતો કરેલ હોઈ ખેડૂતોને હજુ સુધી ન્યાય ના મળતા ખેડૂતો લોકશાહીમા ન્યાય માટે વલખા મારી રહ્યા છે,
ત્યારે તાજેતરમાં જ ખભાળિયા ખાતે અધિક કલેક્ટર ને કુરંગા ગામના જે લોકોની જમીન કંપનીની હદમાં આવેલી છે તે લોકો ખેડૂત આગેવાનો સાથે પોતાના લોહીની સહીથી આવેદન આપવા પહોંચ્યા હતા રાજમાર્ગ અને ખેડુતોને ખેતરે જવાના રસ્તા તો હતા જ નહી ખેતરની ફરતે કમ્પનીએ દિવાલ કરી નાખી છે તો બીજી તરફ દૂષિત પાણીની કેનાલ આવેલ છે તો ખેતર પર જવુ ક્યાંથી..? ત્યારે આંતરિક રસ્તા અને રાજમાર્ગ બંધ જેવી હાલતમાં હોય ખેડૂતો આખરે ખેતરમા કેમ પ્રવેશ કરવો આ સહિતની અનેક તકલીફ અધિક કલેક્ટર સમક્ષ આવેદનપત્ર સ્વરૂપે વર્ણવી હતી,
ખેડૂતોની અલગ અલગ અનેક ફરિયાદો RSPL ઘડી કંપની વિરુદ્ધ મામલતદાર ,કલેક્ટર, એ. સી. બી, પ્રદુષણ બોર્ડ સહિત અનેક કચેરીમાં રજૂઆતો ધૂળ ખાઈ રહી છે આર. એસ. પી. એલ કંપની જ્યારે કુરંગા જેવા વિસ્તારમા આવી ત્યારે લોકોને રોજગારી અને વિકાસની આશા હતી પરંતુ કંપનીએ જાણે સ્થાનિક મુક્ત કંપની કરી દીધી હોઈ કોઈ સ્થાનિક લોકોને નોકરી આપવામા આવતી નથી કંપનીએ ખેડૂતોને આપેલ તમામ વચનો તોડી હાલ શામ,ડામ,દંડ ભેદના જોરે ખેડૂતોને યેનકેન પ્રકારે પરેશાન કરી રહી હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહયા છે અને લોહીની સહી દ્વારા આવેદન આપી અનોખી રીતે તંત્રને મેસેજ આપ્યો કે ખેડૂતોના લોહી ચૂસનારી આ કંપનીઓ સામે કાર્યવાહી કરો નહીંતર આગામી દિવસોમાં ખેડૂતોને જલદ દેખાવો અને આંદોલનો કરવાની ફરજ પણ પડશે.