Mysamachar.in-અમરેલી:
મા બાપો સમજતા નથી, નાના નાના ભૂલકાંઓના હાથમાં મોબાઈલ આપી દે છે. આ બાળકોને પછી મોબાઈલનું વ્યસન થઈ જાય છે. આ વ્યસન ડ્રગ્સ જેટલું જ અથવા તેથી પણ વધુ ખતરનાક છે કેમ કે, મોબાઈલ પર વીડિયોગેમ સહિતની કેટલીક બાબતો કુમળા બાળમાનસ પર, અવિકસિત સમજણશક્તિ ધરાવતાં બાળકોના મગજ અને મન પર ઘાતક અસરો જન્માવી રહી છે. આપણી ભાવિ પેઢીને આપણે બચાવવી પડશે.
આ પ્રકારનો એક ખૂબ ગંભીર બનાવ અમરેલી જિલ્લામાં જાહેર થયો. બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામની એક પ્રાથમિક શાળાના દસબાર જેટલાં બાળકોએ બ્લેડ વડે પોતાના જ હાથમાં છેકા લગાવ્યા ! હાથમાં લોહી નીકળી આવ્યું. આ મામલાએ ચર્ચાઓ જગાવી છે.
એમ કહેવાય છે, એક બાળકે કોઈ વીડિયોગેમ અંતર્ગત આ બધાં બાળકોને આ ટાસ્ક આપેલું અને કહેલું કે, જે આમ છેકા મારશે તેને દસદસ રૂપિયા આપવામાં આવશે. છેકા નહીં લગાવે તેણે પાંચ રૂપિયા આપવા પડશે. આ કારણથી બાળકોએ આમ કર્યું એવું જાહેર થયું છે. અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આ બનાવ ચર્ચાઈ રહ્યો છે.
શાળાના શિક્ષકો પોતાનો બચાવ કરી રહ્યા છે અને આ બનાવથી પીછો છોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું, 10 બાળકોએ આમ કર્યાનો અહેવાલ છે. જેની તપાસ કરવામાં આવશે. જરૂરી કાર્યવાહીઓ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા વર્ષ અગાઉ આ રીતે બ્લ્યુ વ્હેલ નામની એક એપને કારણે ઘણાં બાળકો વગેરે આ રીતે, ટાસ્ક અંતર્ગત પોતાને ખુદને નુકસાન પહોંચાડતા. કેટલાંકના જીવ પણ ગયા હતાં. બાદમાં જો કે એ એપ પર પ્રતિબંધ આવી ગયો. અમરેલી જિલ્લાની આ ઘટનામાં કોઈ વીડિયોગેમ જવાબદાર છે કે કેમ, તેની તપાસ પોલીસ ચલાવી રહી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, નાના બાળકો મોબાઈલ તથા વીડિયોગેમના રવાડે ન ચડે- એ જોવાની જવાબદારીઓ માતાપિતાએ નિભાવવી પડશે. આ જ રીતે પુખ્ત વયના લોકો પણ ઓનલાઈન ગેમિંગ જૂગાર વગેરે બાબતોનું વ્યસન ધરાવતા હોય છે. આ બધાં જ દૂષણો સમાજમાં ચિંતાપ્રેરક અને વ્યાપક છે.