વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકાને એરપોર્ટ મળશે..મળશે..મળશે…એવું વર્ષોથી સંભળાઈ રહ્યું છે. હવે આ વાત ખીલે બંધાઈ ગઈ છે. 2 વખત નિષ્ફળ રહ્યા બાદ હવે ત્રીજા પ્રયાસે સરકારે વસઈ ગામની જમીન એરપોર્ટ માટે ફાઇનલ કરી લીધી હોવાનું ગાંધીનગરસ્થિત અધિકારીઓ જણાવી રહ્યા છે.
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, દ્વારકા શહેરથી માત્ર 12 કિમી ના અંતરે આવેલાં વસઈ ગામની જમીન દ્વારકા એરપોર્ટ માટે ફાઇનલ થઈ છે. અહીં 300 હેકટર જમીન એરપોર્ટ માટે અલગ રાખવામાં આવશે. આ સંબંધે સરકાર કહે છે કે, આ પૈકી 45 ટકા જેટલી એટલે કે આશરે 130 હેકટર જેટલી જમીન હાલ સરકારના કબજામાં જ છે. બાકીની જે જમીન સંપાદિત કરવાની થાય છે તે જમીન ખેડૂતો સહિતના ખાનગી માલિકો પાસે છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, સરકારે આ અગાઉ દ્વારકા એરપોર્ટ માટે જમીન નક્કી કરવા 2 વખત પ્રયાસ કર્યા હતાં પરંતુ સિવિલ એવિએશન વિભાગના રિપોર્ટના કારણે જેતે સમયે વાત આગળ વધી શકી ન હતી. હવે રિપોર્ટ સરકારની ફેવરમાં હોવાથી જિલ્લા વહીવટીતંત્ર વસઈ આસપાસની બાકીની જરૂરી જમીન સંપાદિત કરવાની પ્રક્રિયાઓ શરૂ કરશે અને જમીન સંપાદન બાદ એવિએશન વિભાગને તે જમીનની સોંપણી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, દ્વારકા વિશ્વવિખ્યાત યાત્રાધામ હોવાથી દેશના અન્ય રાજ્યોમાંથી અને વિદેશોમાંથી પણ અહીં દર વર્ષે લાખો યાત્રાળુ અને સહેલાણીઓ આવે છે કેમ કે અહીં શિવરાજપુર બીચ અને સુદર્શન બ્રિજ પણ પ્રખ્યાત છે. આ પ્રવાસીઓ પૈકી અસંખ્ય પ્રવાસીઓને ભવિષ્યમાં અહીં વિમાનસેવાનો લાભ મળી શકશે. જો કે અત્રે એ પણ ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ ઘણાં ખેડૂતોએ આ પંથકમાં એરપોર્ટના કામ માટે ખેતીની જમીનો નહીં આપવામાં આવે એવું આંદોલન પણ કર્યું હતું.