ખંભાળિયા તાલુકાના વાડીનાર તાબેના ભરાણા ગામે રહેતા કરણસિંહ જાડેજા નામના એક યુવાનને ગત તારીખ 17 ના રોજ વાડીનાર મરીન પોલીસ મથકના બે પોલીસ કર્મચારીઓ દ્વારા અટકાવીને કથિત રીતે બેફામ માર મારવા તેમજ રોકડ રકમ મેળવી લીધાના આ કથિત બનાવ બાદ ઉપરોક્ત યુવાને ઝેરી દવા પી લીધી હતી. આ અંગેનો એક વિડીયો પણ તેણે બનાવતા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો. જેથી તેને સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા.
આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. સાથે સાથે વાડીનાર વિસ્તાર અને ક્ષત્રિય સમાજમાં પોલીસ કર્મચારીઓ સામે ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ વાડીનાર પોલીસ મથકનો ઘેરાવ કરી અને રોષ પ્રદર્શિત કર્યો હતો. આ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાએ કાર્યવાહી કરી અને પોલીસ કર્મચારી પ્રદ્યુમનસિંહ ગોહિલ અને કરસનભાઈ ગોજીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો. આ સાથે ઉપરોક્ત બનાવ અંગેની તપાસ પણ સક્ષમ અધિકારીને સોંપવામાં આવી છે. આ બનાવે વાડીનાર પંથક સાથે પોલીસ બેડામાં પણ ચર્ચા જગાવી છે.