Mysamachar.in-હિમતનગર:
આજના યુવાઓને સોશ્યલ મીડિયા નું કેટલું ઘેલું લાગ્યું છે, તેના વધુ ઉદાહરણો આપવાની અહી કોઈ જરૂર હોય તેમ લાગતું નથી, પણ જોયા જેવી ત્યારે થાય છે, જયારે સોશ્યલ મીડિયા આજના સગીરો યુવાઓની સમજણશક્તિને પાર કરી જાય …એક કિસ્સો રાજ્યના હિમતનગર માં સામે આવ્યો છે, જે આજના એ વાલીઓ માટે ચિંતારૂપ અને લાલબતીસમાન છે, જેના સંતાનો બેફામપણે સોશ્યલ સાઈટનો ઉપયોગ કરી રહ્યા છે, વાત એવી છે કે રવિવારના રોજ સાંજે ચારેક વાગ્યે કેન્દ્રીય વિદ્યાલયના બે શિક્ષકોની ધો-7 અને ધો-10 માં અભ્યાસ કરતી બે સગીર દીકરીઓ ઘેરથી બહાર ગયા બાદ પરત ન આવતા બી ડિવિઝન પોલીસને જાણ કરાતાં પોલીસે પણ ગંભીરતા સમજી તરત તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું કે મોટી સગીરાને ઇન્ટાગ્રામ પર હૈદરાબાદના સગીર સાથે મિત્રતા થઇ હતી અને તેના મિત્ર વર્તુળ દ્વારા આ બાબત ધ્યાન પર આવી હતી. હૈદરાબાદમાં રહેતા સગીરનો જન્મ દિવસ આવતો હોઇ તેને સરપ્રાઇઝ આપવા હૈદરાબાદ જવા રવાના થઇ ગઇ હતી.
ટ્રેનમાં અવરજવરનો અનુભવ હોવાથી હૈદરાબાદની ટિકટ લઇને અમદાવાદથી નીકળી હતી. સફર દરમિયાન તેમના કોમન મિત્રને સાથી પેસેન્જરનો ફોન લઇને સરપ્રાઇઝ આપવા આવી રહ્યા હોવાની અને તેના મિત્રને જાણ ન કરવાની વાત પણ કરી હતી. ત્યારબાદ જે છોકરાને સરપ્રાઇઝ આપવા ગઇ હતી તેનો સંપર્ક કરી તપાસ કરતા બંને સગીરા તેના ઘેર હેમખેમ હોવાનુ જાણવા મળતા બંનેને પરત લાવવા પોલીસની એક ટીમ હૈદરાબાદ રવાના કરાઇ છે. વાલીઓમાં લાલબત્તી સમાન આ કિસ્સાએ ઘણી બધી ચેતવણીઓ આપી દીધી છે.